Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

#STSangamam: ભલે પધાર્યા મહેમાન અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ – ઉત્સવ સમન્વયનો ઉત્સવ પરંપરાનો -મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સૌરાષ્ટ્રની ધરા પર આવકાર્યા

વેરાવળ રેલવે સ્ટેશન ખાતે મૂળ સૌરાષ્ટ્રના તમિલ પરિવારોનું સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન અને લોકસંગીત દ્વારા અદકેરું અભિવાદન સ્વાગત

ગીર સોમનાથ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અન્વયે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પધારેલા પ્રવાસીઓને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે ભાવભીનું સ્વાગત કર્યુ હતુ.

વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું આગમન થતાં જ સમગ્ર રેલવે સ્ટેશન ઢોલ-નગારા અને બેન્ડના  નાદથી ગાજી ઉઠ્યું હતું. ટ્રેનમાંથી પ્રવાસીઓ ઉતરતા જ પુષ્પવર્ષા કરી તેમને આવકારવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોમનાથ મહાદેવની તપસ્વી ધરા પર મદુરાઈથી આવેલા તમિલ પરિવારોની સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન,

ઢોલ, શરણાઈ, પાવો અને સુરંદો જેવા લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે લોકનૃત્ય દ્વારા આગતા સ્વાગત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રીયન તમિલો પણ ગુજરાતી સંગીત પર કલાકારો સાથે દાંડિયા તેમજ તાલીઓના તાલે ઝૂમ્યા હતા. પધારેલા તમિલ પરિવારો સાથે રેલવે સ્ટેશન ખાતે મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે વાર્તાલાપ કર્યો હતો.

આ પ્રસંગે મહેમાનોને આવકારવા રેલવે સ્ટેશન ખાતે મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર સાથે તાલાલા વિસ્તારના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ બારડ, જિલ્લા કલેક્ટરશ્રી એચ. કે. વઢવાણીયા, ગુજરાત પ્રવાસન ઓ.એસ.ડી.શ્રી આર.આર.ઠક્કર, વેરાવળ- સોમનાથ નગરપાલિકા પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડી, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી લલિતભાઈ પટેલ,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર. એ.ડોડીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી  એચ.કે. વાજા, અગ્રણી સર્વશ્રી રામીબેન વાજા, શ્રી દેવાભાઈ જાડેજા, પ્રવીણભાઈ રૂપાલિયા,  ડો.વઘાસિયા તથા વિવિધ એન.જી.ઓ. અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. -બળવંતસિંહ જાડેજા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers