Western Times News

Gujarati News

૩૧મી ડિસે. સુધીમાં ખેડૂતોને નુકસાનીની સહાયતા ચૂકવાશે

Files Photo

અમદાવાદ: આ વર્ષે રાજયમાં ચોમાસામાં વધુ વરસાદ થતા અતિવૃષ્ટી થઇ છે. પહેલા વાવાઝોડાનો કહેર અને વરસાદની મોસમ પત્યા પછી માવઠા અને કમોસમી વરસાદનાં કારણે રાજ્યનાં મોટાભાગનાં ખેડૂતોનાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં માવઠાંના કારણે છ લાખ હેકટરથી વધુ જમીનમાં પાકને નુકસાન થયું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મહત્વની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જે બાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સમક્ષ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જે ખેડૂતોને ૩૦ ટકાથી વધુનું નુકસાન થયું છે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સહાય કરશે.

અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાય તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં મળી જશે. કૃષિમંત્રી આર. સી ફળદુએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે વીતેલા ૧૦થી ૧૫ વર્ષમાં વધુ વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને પાકમાં બહુ મોટુ નુકસાન થયું છે. જ્યારે જ્યારે ખેડુતો પર કુદરતી આફત આવી છે ત્યારે ખેડૂતની પડખે ઉભા રહેવા માટે સરકારે પ્રમાણિકતાથી નિર્ણયો લીધા છે. રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદ અને પાછોતરા માવઠાના કારણે ખેડૂતોનાં ઉભા પાક નષ્ટ પામ્યાં છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે સર્વે કરીને જે ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયુ છે તેમને મદદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજ્યનાં ૨૫૧ પૈકી ૨૪૮ તાલુકાનાં ખેડૂતોની પડખે ઉભા રહેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જે અંગે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું. આજે થયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ખેડૂતોને ઓનલાઇન એપ્લિકેશન કરાવીને જેને આ લાભ મળવાનો છે તે બધા જ ખેડૂતોનાં ખાતામાં જલ્દીથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ બધી જ કામગીરી ૩૧મી ડિસેમ્બર પહેલા આ બધા જ ખેડૂતોની કામગીરી પૂર્ણ કરીને તેમના ખાતામાં પૈસા જમા થઇ જાય. કૃષિમંત્રીએ મગફળની ખરીદી અંગે જણાવ્યું કે, કેન્દ્રની નાફેડ દ્વારા રાજ્યનાં ૧૪૫ તાલુકમાં જ્યાં મગફળીનો પાક થાય છે ત્યાં ખરીદીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.