Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

યુકે જવા માટે એક યુવકે બદલી નાખ્યો પોતાનો ધર્મ

આ યુવક યુકે પહોંચે એ પહેલાં જ મુંબઈમાં ઝડપાઈ ગયો હતો ઃ આ યુવક મૂળ ગુજરાતના પોરબંદરનો હતો

મુંબઈ,  લોકોને વિદેશ જઈને ત્યાં સ્થાયી થવાની ગેલછાં ખૂબ જ હોય છે. ખાસ કરીને ભારતીયોને વિદેશ જવાની ખૂબ જ ઘેલછાં હોય છે. ત્યારે કેટલાંક લોકો વિદેશ જવા માટે મસમોટી રકમ એજન્ટે ચૂકવતા જરાય અચકાતા નથી. તો કટેલાંક લોકો વિદેશ જવા માટે કાંડ પણ કરતા હોય છે.

ત્યારે આવો જ એક કિસ્સો મુંબઈમાંથી સામે આવ્યો છે. મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ પોરબંદરના એક ૨૦ વર્ષીય યુવકને રોક્યો હતો. આ યુવકે વિદેશ જવા માટે મોટો કાંડ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ યુવકે યુકે જવા માટે પોતાનો ધર્મ જ બદલી નાખ્યો હતો.

તેણે પાસપોર્ટમાં ધર્મ બદલીને યુકે જવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે ફેમિલી પરમિટ વિઝા મેળવવા માટે ઉડાન ભરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે માન્ચેસ્ટરમાં રહેતી એક મહિલાને પોતાની માતા પણ ગણાવી હતી.

બનાવની વિગતો એવી છે કે, આ યુવક મુંબઈ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓના હાથે ઝડપાઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ ઈમિગ્રેશનના અધિકારીઓને આરોપી વેજા નાગાજન મોઢવાડિયાને સહર પોલીસને સોંપ્યો હતો.

પોલીસને આ યુવકની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફેક નામથી પાસપોર્ટ બનાવવામાં મદદ કરનારા એજન્ટે તેના મોબાઈલમાંથી તમામ કોમ્પ્યુનિકેશનની વિગતો અને તેની કોન્ટેક્ટ હિસ્ટ્રી ડિલીટ કરી દીધી હતી. જેથી જાે આ યુવક ઝડપાઈ જાય તો પોતે પોલીસની જાળમાં ફસાઈ શકે નહીં.

આરોપી યુવક મોઢવાડિયાએ ૨૦૨૨માં ગુજરાતમાં એક એજન્ટ લખન ઓડેદરાનો સંપર્ક કર્યો હતો. આરોપી યુવક યુકે જવા માગતો હોવાથી તેણે એજન્ટનો સંપર્ક કર્યો હતો. તેણે એજન્ટનો સંપર્ક એટલા માટે કર્યો હતો, કારણ કે તે સામાન્ય ચેનલ દ્વારા વિઝા મેળવવા તેના માટે શક્ય નહોતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એજન્ટે પહેલાં મોઢવાડિયા માટે ઈસબ આદિલ મોહમદસલીમના નામ પર ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હતી.

બાદમાં એજન્ટે મોઢવાડિયાને પોર્ટુગલના નાગરિક કોટ સાઈદાબાનુ અબ્દુલકાદીર સાથે સંપર્ક કરાવ્યો હતો. જેણે આરોપી યુવકને બ્રિટનના એક પરિવારની સાથે સંમતિ પત્ર મોકલ્યો હતો. જેમાં આરોપીને તેના પુત્ર તરીકે દર્શાવવામાં આવ્યો હતો અને વિઝા પરમિટ આપ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers