Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિદેશી હરિભક્તો માટે ભુજની બધી હોટલ મંદિરો બુક

ભૂજ, નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ભુજ ખાતે ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. કચ્છના ઇતિહાસમાં ક્યારેય ન યોજાયો હોય તેવા ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા લાખો હરિભક્તો દેશ વિદેશથી ભુજ પહોંચી આવ્યા છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં ઉમટેલા હરિભક્તો માટે રહેવાની પણ વિશેષ સગવડો ઊભી કરવામાં આવી છે.

મહોત્સવ સ્થળ આસપાસ ત્રણ ટેન્ટ સિટી ખાસ હરિભક્તો માટે ઊભી કરવામાં આવી છે, તો ભુજ શહેર અને આસપાસમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છાત્રાલય અને ગુરુકુળ ખાતે પણ હરિભક્તોને ઉતારો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિદેશથી આવેલા હરિભક્તો માટે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ અને માધાપરની બધી જ હોટલ બુક કરવામાં આવી છે.

ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે ભુજ મંદિર ખાતે નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આ અગાઉ ક્યારેય ન યોજાયો હોય તેવા ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશથી ૩૦ લાખથી વધારે હરિભક્તો આ ૯ દિવસના મહોત્સવમાં ભુજ પધારશે તેવો અંદાજ છે. તેવામાં આટલા વિશાળ જનસમૂહને ઉતારો આપવા પણ ભુજ મંદિર દ્વારા વિશેષ સગવડો ઊભી કરવામાં આવી છે. મિરઝાપર ખાતે મહોત્સવ સ્થળ આસપાસ ત્રણ વિશાળ ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે, જેમાંથી ટેન્ટ સિટી ૧માં ૨૫૦, ૨માં ૧૩૦ ટેન્ટ, તો ટેન્ટ સિટી ૩માં ૧૧૭ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

દરેક ટેન્ટમાં ૧૪ લોકો આરામથી રહી શકે તેવા વિશાળ ટેન્ટમાં ઈલેક્ટ્રીસીટીની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક મહિનો અગાઉથી બની રહેલી ટેન્ટ સિટીમાં પીવાનું શુદ્ધ પાણી ઉપરાંત વોટર કૂલર પણ હરિભક્તો માટે ગોઠવવામાં આવ્યા છે.

ટેન્ટ સિટી ઉપરાંત ભુજ અને આસપાસના વિસ્તારોમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના છાત્રાલયો અને ગુરુકુળમાં પણ હરિભક્તોને ઉતારો આપવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો વિદેશથી આવતા હરિભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને ભુજ શહેરથી માધાપર ગામ સુધીની બધી જ હોટલ મંદિર દ્વારા આ એનઆરઆઈ હરિભક્તો માટે બુક કરવામાં આવી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers