Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં ૧૯૫ કિલો વજન ધરાવતા વ્યક્તિની બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન

છેલ્લા 3 વર્ષથી સ્થૂળતાના લીધે  શારીરિક તેમજ માનસિક પીડાઓ ભોગવતા જીતુભાઈની વહારે આવી સિવિલ હોસ્પિટલ

૫૦૦ ગ્રામના બાળક થી ૨૧૦ કિ.ગ્રા વજન ધરાવતા વ્યક્તિની દરેક પ્રકારની અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઉપલ્બધ બની છે:-સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશી

રાજકોટના જીતુભાઈ ગોહેલને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું જીતુભાઈનું અસહ્ય વજન અને સ્થૂળતા. તેઓ ઇમીટેશન જ્વેલરીની છુટક મજુરી કરી આશરે ૧૦,૦૦૦ રૂ. માં ગુજરાન ચલાવતા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી સ્થૂળતાના લીધે કામ કરવા સક્ષમ ન હોઈને બેરોજગાર બન્યા હતા.

મેદસ્વીતાના લીધે તેઓને રોજીંદા કામોમાં ઘણી મુશ્કેલી પડતી હતી, જેમાં અવરજવર, શ્વાસ લેવામાં તકલીફ વગેરેનો સમાવેશ થતો હતો. શારીરિક તેમજ માનસિક પીડાઓ ભોગવતા જીતુભાઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં bariatric surgeryના ઓપરેશન માટે ૫ થી ૭ લાખનું બજેટ આપવામાં આવ્યું હતું. ૧૯૫ કિલો વજન અને ૬૬.૪ બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા જીતુભાઈને દુઃખો અને પીડાઓમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે.

હ્રદય, ફેફસા અને લોહીની તપાસ બાદ કોઇ અગમ્ય કારણોસર (જેનેટીક) તેમનું વજન ૮૦ કિલોમાંથી ૧૯૫ કિલોએ પહોચવાનું નિદાન થયુ હતું. ગત અઠવાડિયે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ, ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા તેમની મેદસ્વીતા ઘટાડવા બિન-કુદરતી અપચાની bariatric surgery (stomach pouch + minigastric bypass) કરવામાં આવી હતી.

જીતુભાઇને ઓપરેશન બાદ ૨ દિવસ વેંટીલેટર સપોર્ટ પર અને ત્યારબાદ ૧૦ દિવસ સુધી ૧૦ – ૬ લીટર/મીનીટ ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.૧૨ દિવસની પોસ્ટ ઓપરેટિવ કેર પછી ગત રોજ જીતુભાઈ જાતે ચાલીને ઘરે ગયા હતા. આ જટિલ સર્જરી બાદ હવે જીતુભાઈ જીવના જોખમમાંથી મુક્ત બન્યા છે અને પોતાની રોજિંદી જીવનચર્યા તેઓ ઘણી સરળતાથી કરી શકશે જે બદલ તેઓ સસ્મિત સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરે છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ ૨૦૧૭ થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી.  ડો.રાકેશ જોષી અને ડો.આર.આર.પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલ આજે ૫૦૦ ગ્રામના બાળકથી લઈને ૨૧૦ કિગ્રા સુધીના દર્દીઓનું સંચાલન કરી રહી છે. મેદસ્વી દર્દીઓને આજે સિવિલમાં તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી માટેની શરૂઆત થી અંત સુધીની તમામ સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સર્જરી વિભાગની ટીમે ઘણી જટિલ  બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.

જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ૪૦ કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ૩૫ કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર , અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો  અથવા હૃદયરોગ) થી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.

સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયટેશિયન દ્વારા સાવચેત અને સતત પોષણ મૂલ્યાંકન, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેના લીધે દર્દી સફળતા પૂર્વક ડિસ્ચાર્જ મેળવીને ખુશીથી ઘરે જઈ શકે છે.

જીતુભાઈ જેવા વધુને વધુ સ્થૂળતા પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની  સેવાઓનો લાભ મેળવીને જોખમરૂપ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે તે માટે સિવિલ હોસ્પિટલની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ પ્રતિબદ્ધતા સેવે છે.

ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી પહેલા અને સર્જરી દરમિયાન  ઉદભવતા પડકારો :-

Ø  વધુ વજનને લીધે દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ શિફ્ટ કરવાની મુશ્કેલીઓ

Ø  ઓપરેશન પહેલા અનેસ્થેસિયા આપવા માટે અને ઓપરેશન દરમિયાન દર્દીને સુવડાવવા માટે વજન સહી શકે તેવા બેડની જરૂરિયાત

Ø  લેપ્રોસ્કોપી માટે અલાયદા સાધનોની આવશ્યકતા, વધારે લંબાઈ વાળા શરીરમાં ચરબીના થરને ભેદી શકે તે પ્રમાણેના લેપરોસ્કોપી સાધનોની જરૂરિયાત રહે છે.

Ø  દર્દીના એકસ- રે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે

Ø  વધારે વજન ધરાવતા દર્દીઓમાં ૧૦-૧૨ ઇંચ લંબાઈનું ચરબીનું થર તેમજ પેટની દિવાલનું વજન ૩૦-૪૦ કિલો જેટલું હોવાથી સર્જરી અતિશય કઠિન બની રહે છે.

Ø  સામાન્ય સર્જરી દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું પ્રેશર ૧૦-૧૨ જેટલું જરૂરી હોય, જ્યારે આવી સર્જરી માટે ૨૦ થી ૨૫ જેટલું પ્રેશર જરૂરી બને છે.

Ø  દર્દીના હાથ પગનું વજન ઘણું વધારે હોવાથી ઓપરેશન દરમિયાન હાથપગના હલનચલન કરાવવામાં પડતી તકલીફો

Ø  ઓપરેશન બાદ દર્દીને શિફ્ટિંગ કરવામાં, IV ફ્લુઇડ આપવામાં, કસરતો કરાવવામાં પડતી મુશ્કેલીઓ

Ø  સામાન્ય ઓપરેશન કરતા બમણા સ્ટાફની ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ દેખરેખ અને કસરત માટે જરૂરિયાત

Ø  દર્દી માટે અલગથી સ્ટ્રેચર, ટ્રોલી વગેરેની વ્યવસ્થા કરવી પડે છે.

Ø  ઓપરેશન દરમિયાન દર્દીની શારીરિક ગતિવિધિઓનું સતત બરિકાઇપૂર્વક નિરીક્ષણ કરતા રહેવું પડે છે.

ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરીથી દર્દીને થતાં ફાયદાઓ:-

Ø  સતત વજનમાં થઈ રહેલા વધારાથી મુક્તિ મળે છે.

Ø  હાર્ટ એટેક અને હાયપટેન્શન જેવી જીવલેણ બીમારીઓની શક્યતાઓ નહિવત્ થઈ જાય.

Ø  હલનચલન અને રોજિંદી ક્રિયાઓ કરવામાં સરળતા રહે.

Ø  સાંધાનો ઘસારો ઘટી જાય, જેથી દર્દીને ઉઠવા બેસવામાં અને અન્ય ક્રિયાઓમાં સુલભતા રહે.

Ø  જીવનું જોખમ ટળે. -મિનેષ પટેલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.