Western Times News

Gujarati News

૮.૮૮ કરોડના ખર્ચે તૈયાર થયેલું AMTS લાલ દરવાજા ટર્મિનસ જૂનમાં ખૂલશે

1955માં બનેલા લાલ દરવાજા બસ-સ્ટેન્ડના પુનઃ નિર્માણનું કાર્ય અંતિમ તબક્કામાં: અપાઈ રહ્યો છે હેરિટેજ લુક

(એજન્સી) અમદાવાદ, છેલ્લાં પોણા બે વર્ષથી AMTSના સત્તાવાળાઓ દ્વારા શહેરના સૌથી પ્રસિદ્ધ અને લાખો પેસેન્જર્સની અવરજવરથી ધમધમતા લાલ દરવાજા ટર્મિનસને નવીન રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે.

તંત્ર દ્વારા સમગ્ર ટર્મિનસને હેરિટેજ પ્રકારનું સ્થાપત્ય ધરાવતું નવું કલેવર અપાઈ રહ્યું છે. હવે આ પ્રોજેકટ લગભગ પૂર્ણતાના આરે આવી ચુકયો હોઈ તેનું જૂનના પહેલા અઠવાડિયામાં લોકાર્પણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂકયા છે એટલે કે લાખો પેસેન્જર્સને નવા લાલ દરવાજા ટર્મિનસનો લાભ મેળવવા માટે માત્ર મહિના સવા મહિનાની રાહ જાેવી પડશે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, ૧૧,પ૮૩.ર૪ ચોરસમીટર પ્લોટ એરિયા ધરાવતા લાલ દરવાજા ટર્મિનસનો બાંધકામનો એરિયા ર,પ૮૮.૩૦ ચોરસમીટરનો છે. હેરિટેજ લૂક સાથે ઓફિસ બિલ્ડિંગ તથા બસસ્ટેન્ડની એકસ્ટ્રા આઈટમ સાથેનો રિવાઈઝડ ટેન્ડરનો ખર્ચ રૂ.૮,૮૮,૦ર,૮૧૯નો છે. આ કામની સમયમર્યાદા ૧પ જૂન, ર૦ર૩ સુધીની હોઈ અમારી ગણતરી મુજબ જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં તેને લોકો માટે ખુલ્લું મુકાશે.

હેરિટેજ લૂક ધરાવતા ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નં.૧ ઉપર બંધાઈ રહ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફલોર પર આસિસ્ટન્ટ મેનેજર ઓફિસ, કેબિન ઈન્સ્પેકટર ઓફિસ, એક્સિડેન્ટ ઈન્સ્પેકટર ઓફિસ, બુકિંગ ઓફિસ, ઈન્કવાયરી ઓફિસ, પીવાના પાણીની સુવિધા, પેસેન્જર્સની ફરિયાદના નિકાલ માટે અલગ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવાથી પેસેન્જર્સને જમાલપુર મુખ્ય ઓફિસ સુધી જવાની જરૂર રહેશે નહી

તેમ જણાવતાં એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ વધુમાં કહે છે, ટર્મિનસના પહેલા માળે કેશ કલેકશન કેબિન, મિટિંગ હોલ, ડિરેકટર ઓફ ટ્રાફિકની ઓફિસ, વીઆઈપી વેઈટિંગરૂમ, ઈલેકિટ્રક કેબિન અને ટિકિટ મશીનરૂમ બંધાઈ રહ્યા છે.

પ્લેટફોર્મ નં.૧ થી ૭ પર બેઠક વ્યવસ્થા સાથે પાઈપ ફેબ્રિકેશન ઉપર ડેકોરેટિવ બસ શેલ્ટર બનાવાઈ રહ્યાં હોઈ તેનું મોટાભાગનું કામ આટોપાઈ ગયું છે. અંધ, અપંગ અને શારીરિક ખોડખાંપણવાળા મુસાફરોની સગવડતા માટેની અલગ વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

દરેક પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરાનો લાભ પેસેન્જરને મળશે. ઉપરાંત પેસેન્જર્સની સુવિધા માટે દરેક પ્લેટફોર્મ ઉપર બસના રૂટ અને સમયપત્રક માટેની માહિતી ઉપલબ્ધ કરાવતી પબ્લિક ઈન્ફર્મેશન સિસ્ટમ ગોઠવાઈ રહી છે.

દરેક પ્લેટફોર્મ પરની આધુનિક કંટ્રોલ કેબિન તમામ બસનું કંટ્રોલિંગ કરશે તેમજ પેસેન્જર્સને જે તે રૂટની માહિતી આપશે. ઉપરાંત દરેક પ્લેટફોર્મ પર બસની એન્ટ્રીમાં તેની ગતિ ધીમી પડે છે તે માટે સ્પીડ બ્રેકર લગાવાયા છે, જેનાથી અકસ્માતોને નિવારી શકાશે.

ટર્મિનસમાં હાલના ડામર રોડની જગ્યાએ આરસીસી રોડ તથા ડ્રેનેજની સુવિધા ઉભી કરાઈ છે. ટર્મિનસનું સમગ્ર બાંધકામ હેરિટેજ થીમ પર બનાવાયું છે. આ કામના કોન્ટ્રાકટર શ્રીજી કન્સ્ટ્રકશન અને કન્સલ્ટન્ટ જાગ ડિઝાઈનર પ્રા.લિ. છે.

કન્સલન્ટન્ટને ગત તા.૩ જુલાઈ, ર૦૧૭એ વર્કઓર્ડર અપાયો હતો, જે હેઠળ પ્રોજેકટની ૦.પ૮ ટકા ફી કન્સલ્ટન્ટને ચૂકવાશે.
અન્ય ટેકનિકલ બાબતો તપાસતાં બિલ્ડિંગનો એરિયા ૭૩૦.પપ ચોરસમીટર, પ્લેટફોર્મના શેડનો એરિયા ૧,૮પ૭.૭પ ચોરસમીટર હોઈ સમગ્ર પ્રોજેકટને સ્વર્ણિમ પ્રોજેકટના બજેટ હેડ હેઠળ તૈયાર કરાઈ રહ્યો છે.

દરમિયાન, એએમટીએસના ચેરમેન પટેલ વધુમાં કહે છે, અત્યારે તમામ બસસ્ટેન્ડ થઈ ગયા છે, આરસીસીના રોડ પણ બની ગયા છે અને હેરિટેજનું નાનું-મોટું કામ એટલે કે પથ્થર વગેરે લગાવવાના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે એટલે અમારી ગણતરી છે કે એકાદ મહિનામાં લાલ દરવાજા ટમર્નિસનો હેરિટેજ લૂક શહેરના લાખો પેસેન્જર્સને આકર્ષિત કરશે.

એએમટીએસ તંત્ર માટે લાલ દરવાજા ટર્મિનસ એ ખૂબ અગત્યનું ટર્મિનસ છે. આ ટર્મિનસ સતત પેસેન્જર્સની અવરજવરથી ધમધમતું રહ્યું છે. એક અંદાજ મુજબ રોજના સવા બે લાખ પેસેન્જર્સની અવરજવર લાલ દરવાજા ટર્મિનસથી થાય છે. લાલ દરવાજા ટર્મિનસ પરથી ૩૯ બસરૂટ ઓપરેટ થાય છે અને કુલ ૧૧૮ બસની અવરજવર થાય છે, જે પૈકી ટર્મિનસથી પસાર થતા રૂટની સંખ્યા ૧૩ છે અને ટર્મિનસથી પસાર થતી બસની સંખ્યા ૮૩ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.