ઇન્ડિયન વુમન્સ લીગની ટ્રોફીનું રમતગમત અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે અનાવરણ
 
        ૧૬ ફૂટબોલ ટીમના કેપ્ટનને આવકારતા મંત્રી શ્રી હર્ષ સંઘવી
અમદાવાદમાં એલિસબ્રિજ જીમખાના ખાતે રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઇન્ડિયન વુમન્સ લીગની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે વિવિધ રાજ્યમાંથી આવેલ ૧૬ જેટલી ફૂટબોલ ટીમને આવકારતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપ સૌનું ગુજરાત સરકાર સ્વાગત કરે છે અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને જે પણ કંઈ જરૂરિયાત ઉદ્ભવશે તો તેની પૂર્તિ કરવા ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપ સૌ રમતમાં ઉમદા પ્રદર્શન કરો અને આપ ગુજરાતમાં જે પણ કંઈ સમય વિતાવશો તે આપના માટે યાદગાર બની રહે તેવી શુભેચ્છા પાઠવું છું.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ વિજેતા સુશ્રી બેનબેન દેવી ઉર્ફ શ્રી દુર્ગા ઓફ ફૂટબોલ દેવી, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશનના સેક્રેટરી શ્રી મૂળરાજ ચુડાસમા, એલિસબ્રિજ જીમખાનાના સેક્રેટરી તેમજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શ્રી શપથ શાહ અને વિવિધ રાજ્યમાંથી આવેલ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 
                 
                 
                