Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુટકાના ટુકડા હીરાની જગ્યાએ મૂક્યાઃ ૧.૨૦ કરોડની ઠગાઇ

Files Photo

વેપારીની ફરિયાદના આધારે ઠગબાજ દલાલની ધરપકડ 

સુરત,  મહિધરપુરાના હીરા વેપારી સહિત છ વેપારીને ઝાંસો આપી હીરાદલાલે હીરાના પાર્સલમાં હીરાની જગ્યાએ ગુટકાના ટુકડા મૂકી રૂ. ૧.૨૦ કરોડની ઠગાઇ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો, જ્યાં વેપારીની ફરિયાદના આધારે ઠગબાજ દલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અડાજણમાં દીપા કોમ્પ્લેક્સ સોસાયટીમાં અરિહંત વિલા બિલ્ડિંગમાં રહેતા રૂષભભાઇ ચંપકભાઇ વોરા હીરાના વેપારી છે.
મહિધરપુરા- જદાખાડી ખાતે કનકશાંતિ બિલ્ડિંગમાં યુગ મહેતા સાથે તેઓ ભાગીદારીમાં ઓફિસ ચલાવે છે. છેલ્લા ચારેક માસથી દૂરના સંબંધી રાહિલ માંજની હીરાદલાલ તરીકે કામ કરતા હોય તેમણે રૂષભ વોરાની ઓફિસે આવી ધંધાકીય સંબંધો સ્થાપ્યા હતા. શરૂ-શરૂમાં તેઓ વચ્ચે બિઝનેસ બરાબર ચાલ્યો હતો.

ત્યારબાદ ગત તા. ૧૩-૦૨-૨૩ના રોજ રાહિલે તેઓની ઓફિસે જઇ એક જ્વલેરી વેપારીને વધુ પ્રમાણમાં હીરાની જરૂરિયાત છે એમ કહી ૪૫.૯૧ કેરેટ વજનના હીરા લઇ ગયા હતા ત્યારબાદ માર્કેટના નિયમ પ્રમાણે ૧૨.૦૮ લાખ વજનના હીરાનું પાર્સલ રાહિલને પરત પાર્સલ સીલબંધ હાલતમાં રૂપભ વોરાને આપી ગયો હતો

અને ટોકન પેટે ૨ લાખ ચૂકવ્યા હતા અને બાકીનું ૧૦.૦૮ લાખનું પેમેન્ટ એક-બે દિવસમાં ચૂકવવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ વધુ હીરાની માંગ કરી એક સાથે પેમેન્ટ ચૂકવવાનો વાયદો આપ્યો હતો. જેથી વોરાએ રાહિલને હીરાના છ પેકેટ આપ્યા હતા.

લાખોના આ હીરાના પેકેટ ચેક કર્યા બાદ બે પાર્સલમાં મૂક્યા હતા અને બંને પાર્સલ પર સહી કરી સીલબંધ કરી દીધા હતા. જાેકે, દિવસો વીતવા છતાં રાહિલ હીરા લેવા આવ્યો ન હતો. અને ત્યારબાદ તપાસ કરતા રાહિલે અન્ય વેપારીઓને પણ ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

જેથી શંકા ઉપજતા ઋષભ વોરા અને તેમનો પાર્ટનર હીરાના સીલબંધ પાર્સલ લઇ અડાજણ પાટિયા ખાતે રાહિલના ઘરે ગયા હતા અને રાહિલ તથા તેના પરિવારજનોની હાજરીમાં પાર્સલ ખોલતા તેમાંથી ગુટકાના ટુકડા નીકળ્યા હતા.

આ મોડસ ઓપરેન્ડીથી રાહિલે અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઇ કરી હતી. રૂષભ વોરા સાથે ૩૦ લાખ તથા અન્ય ૫ વેપારી મળી ૬ વેપારીના ૧.૨૦ કરોડના ૬ હીરા હડપ કરી ગયો હતો. રૂષભ વોરાએ ફરિયાદ આપતા મહિધરપુરા પોલીસે રાહિલ મિતેશ માંજની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers