Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભર વૈશાખે ભાદરવા જેવી સ્થિતિ-ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

ધોરાજી તાલુકામાં સાવર્ત્રિક ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો -સતત થતા માવઠાથી અહીંના ધોધ અને ઝરણા પણ સજીવ થઇ ગયા -ખેડૂતોએ કરેલ ઉનાળુ વાવેતર તલ, બાજરો, ડુંગળી, જુવાર સહિતનાં પાકો ઉપર પાણી ફરી વળ્યા હતા.

ઉપલેટા,  ભર ઉનાળે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ બની હતી. ધોરાજી તાલુકામાં સાવર્ત્રિક ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માત્ર ૧ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

ધોરાજી તાલુકાના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયુ છે. પાટણવાવના ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો હતો.

રાજકોટના ધોરાજીમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ખરા ઉનાળામાં ભર વૈશાખે ભાદરવાની સ્થિતિ સર્જાતા સતત થતા માવઠાથી અહીંના ધોધ અને ઝરણા પણ સજીવ થઇ ગયા છે. ધોરાજીના ભાડેર ગામે એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી ખેડૂતોએ કરેલ ઉનાળુ વાવેતર તલ, બાજરો, ડુંગળી, જુવાર સહિતનાં પાકો ઉપર પાણી ફરી વળ્યા હતા. જેથી ખેડૂતોના મોઢે આવેલ કોળીયો ઝુંટવાયો છે. જેથી ખેડૂતો સરકાર પાસેથી વહેલી તકે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ભાડેર ગામના ખેડૂતોએ મીડિયા સાથે વાતચીત કરતા પોતાની વેદના સાથે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે ડુંગળી, જુવાર, તલ, મગ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતરોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ધોવાણ થયું છે સાથે સાથે ખેતરમાં પાક પણ વરસાદમાં ધોવાયો છે. જેમના કારણે નુકસાની સહેવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વરસાદની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉપલેટા અને ધોરાજીનો સમાવેશ કરવામાં નથી આવ્યો. ઉપલેટા અને ધોરાજી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે પરંતુ અધિકારીઓએ ઓફિસમાં બેઠા બેઠા સર્વે ઘરે લીધો છે. અને રાજ્ય સરકાર દ્વારા ઉપલેટા કે ધોરાજી તાલુકાનો સહાય માટે સમાવેશ કરવામાં આવ્યો નથી.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને એક એકરે અંદાજિત ૧૦ થી ૨૦ હાજર રૂપિયાની નુકસાની પહોંચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જે રીતે ગઈકાલે ધોરાજી તાલુકાના ભાડેર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો

અને જેમના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હવે જાેવાનું એ રહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ફરી સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે કે કેમ તે હવે આગામી દિવસોમાં જાેવાનું રહ્યુ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers