Western Times News

Gujarati News

પંચમહાલની ૧૨૧૭ વસાહતોનો પીવાનું પાણી ‘નલ સે જલ’ યોજના હેઠળ પહોંચાડાશે

પ્રતિકાત્મક

‘નલ સે જલ’ દ્વારા છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની સરકારની નેમ

પંચમહાલ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળ કુલ ૧૩૯૯ માંથી ૧૨૧૭ વસાહતોનો સમાવેશ : પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગર

વડાપ્રધાનશ્રીના ‘નલ સે જલ’ યોજના હેઠળ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૬૩૧ ગામ અને ૭૬૮ ફળીયા મળી કુલ ૧૩૯૯ વસાહતો આવેલી છે.

જે પૈકી નલ સે જલ યોજના અંતર્ગત ૧૨૧૭ વસાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ૧૮૨ વસાહતોની આ યોજના પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત કુલ ૧૨૧૭ વસાહતો પૈકી ૯૯૦ વસાહતોમાં યોજના કાર્યરત છે.

આ સિવાય ૯૫ વસાહતોની યોજનાઓ ઓપરેટરના કારણે, ૯૩ વસાહતો વીજ જોડાણના કારણે, ૯ વસાહતોમાં જુથ યોજના પાણી અનિયમીત મળવાને કારણે, ૩૦ વસાહતોમાં પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે કાર્યરત નથી. જ્યારે બાકી રહેતી ૧૮૨ વસાહતોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે જે બનતી ત્વરાએ પૂર્ણ કરાશે.

મોટાભાગની કામગીરી જે તે ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા જ કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના ૮૭ ગામ અને ૧૧૬ ફળીયા એમ કુલ ૨૦૩ વસાહતો પૈકી ૧૦૪ વસાહતોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. જયારે ઓપરેટરના કારણે ૪૯ વસાહતો, વીજ જોડાણના કારણે ૧૦ વસાહતો,

પંપીંગ મશીનરીના કારણે ૭ વસાહતો, પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે ૧૫ વસાહતો અને પાઈપ લાઈનના કારણે ૧૮ વસાહતોમાં આ યોજના કાર્યરત નથી તેમ, બોર્ડની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.