Western Times News

Gujarati News

આવાસ યોજનામાં પાલિકાના કર્મચારી, ચૂંટાયેલા સભ્યોએ ખાયકી કરી હોવાની ફરિયાદ દિલ્હી સુધી પહોંચી

પેટલાદમાં રૂ.૨૭ કરોડના ૭૭૩ આવાસ મંજૂર

દિલ્હી સુધી ફરિયાદ –પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પેટલાદના ઘરવિહોણા ૭૭૩ લાભાર્થીઓને મળી રહ્યો છે. પરંતુ છેલ્લા સાત વર્ષ દરમ્યાન આ યોજના અંતર્ગત પેટલાદ ખાતે વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પણ જગજાહેર છે.

પાલિકાના કર્મચારીથી લઈ વિભાગીય વડા, અધિકારી, ચૂંટાયેલા સભ્યો, વચેટીયા વગેરેએ લાભાર્થીઓ પાસેથી ખાયકી કરી હોવાની ફરિયાદ છેક દિલ્હી સુધી વડાપ્રધાન કાર્યાલયમાં પહોંચી છે. જેની તપાસનો ધમધમાટ અંદરખાને ચાલી રહ્યો હોવાથી તેનો ગણગણાટ પાલિકા કેમ્પસમાં સંભળાય છે.

આ ફરિયાદમાં નગરની જ વ્યક્તિઓ દ્વારા પાલિકાના ચારેક કર્મચારીઓ તથા વચેટીયાઓ માટે કરી હોવાનું જાણવા મળે છે. આ અંગે જાે ઝીણવટભરી તપાસ થશે તા આગામી સમયમાં અનેક એવા નામો ખૂલવા સાથે ચોંકાવનારી વિગતો બહાર આવે તો નવાઈ નહીં !

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬થી શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને પોતાનું ઘર બનાવવા રૂ.૩૫૦૦૦૦/- ની સહાય આપવાનું શરૂ કર્યું હતું. જે મુજબ પેટલાદને ૬૦૦ આવાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.

જે વર્ષ ૨૦૨૨ સુધીમાં સો ટકા પૂર્ણ કર્યો હતો. અત્યાર સુધીમાં પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં ૭ વર્ષ દરમ્યાન રૂ.૨૭ કરોડના ૭૭૩ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી ૪૫૦ આવાસનું કામ સંપન્ન થયુ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર દેશમાં જે કોઈ ગરીબ પરિવાર પાસે પોતાનું ઘર કે જમીન ના હોય તેવા લોકો ઘરનું ઘર બનાવી શકે તે માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. જેનો લાભ તબક્કાવાર ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહા નગરપાલિકા હદ વિસ્તારના ઘરવિહોણા લોકોને આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

જે મુજબ પેટલાદ નગરપાલિકાને ૬૦૦ આવાસનો લક્ષ્યાંક સરકારે આપ્યો હતો. આ આવાસ બનાવવા લાભાર્થીને સરકાર દ્વારા કુલ રૂ.૩૫૦૦૦૦/- તબક્કાવાર આપવામાં આવી રહ્યા છે. જેમાં આવાસ મંજૂર થતાં જ પ્રથમ હપ્તાની રકમ ફુટીંગ લેવલે રૂ.૫૫૦૦૦ આપવામાં આવે છે. ત્યારબાદ આવાસનું કામ લિન્ટલ, સ્લેબ, ફિનીશીંગ લેવલ અને પૂર્ણ થવા સમયે એમ પાંચ હપ્તે લાભાર્થીને સહાયની કુલ રકમ રૂ.૩૫૦૦૦૦/- મળવાપાત્ર રહે છે.

જે મુજબ પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં વર્ષ ૨૦૧૬થી ઘરવિહોણા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવો શરૂ કર્યો હતો. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ દરમ્યાન સાત વર્ષમાં કુલ ૭૭૩ લાભાર્થીઓના આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.૨૭ કરોડ જેટલી થાય છે.

આટલી જંગી રકમ સહાય પેટે પેટલાદના ઘરવિહોણા લાભાર્થીઓને મળ્યા હોવાનું જાણવા મળે છે. આજરોજ વડાપ્રધાન દ્વારા ગાંધીનગરથી આવાસનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે સમયે પેટલાદ નગરપાલિકાના સભાખંડમાં ચીફ ઓફિસર નિતીન બોડાતની ઉપસ્થિતીમાં કાઉન્સિલરોના હસ્તે પાંચ લાભાર્થીઓને ચાવી આપી આવાસનું લોકાર્પણ કર્યું હતું.

પેટલાદ ખાતે દિનેશભાઈ બી પટેલ (દંતાલી રોડ), અરવિંદભાઈ બી પટેલ (બાવરીયા કુવો), બાબુભાઈ એલ વાઘેલા (બાવરીયા કુવો), કનુભાઈ એચ ખરાદી (અંબામાતા મંદિર પાસે) અને લક્ષ્મીબેન એમ વસાવા (સિવીલ હોસ્પિટલ પાસે) ને આવાસની ચાવી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સો ટકા લક્ષ્યાંક
પેટલાદ પાલિકાને સરકાર દ્વારા ૬૦૦ આવાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીમાં પેટલાદ પાલિકાએ ૭૭૩ આવાસ મંજૂર કર્યા છે. જે પૈકી ૬૮૮ લાભાર્થીઓના આવાસનું કામ ફુટીંગ લેવલ સુધી પૂર્ણ થયું હતું. આ ૬૮૮માંથી ૬૬૦ આવાસનું કામ લિન્ટલ લેવલ સુધી પુરૂં થતાં તે પૈકી ૬૩૪ આવાસના સ્લેબ ભરાઈ ગયા છે.

આ ૬૩૪ પૈકી ૬૧૬ આવાસનું કામ ફિનીશીંગ લેવલે ચાલી રહ્યું છે. જાે કે આ ૬૧૬માંથી ૪૫૦ લાભાર્થીઓના આવાસ તૈયાર થઈ જતાં તેઓ વસવાટ પણ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. આમ પેટલાદ પાલિકાએ સો ટકા ઉપરાંતનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.