Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સયાજીબાગ ઝૂના સિક્યુરિટી ગાર્ડનું બ્રેન હેમરેજથી મોત

વડોદરા, બે મહિના પહેલા સયાજીબાગ ઝૂમાં સિક્યુરિટી ગાર્ડ પર હિપ્પોપોટેમસે હુમલો કર્યો હતો. આ સિક્યુરિટી ગાર્ડનું રવિવારે અવસાન થયું છે. બ્રેન હેમરેજના કારણે સિક્યુરિટી ગાર્ડનું અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માર્ચ મહિનામાં સિક્યુરિટી ગાર્ડ રોહિદાસ ઈથાપે પર હિપ્પોપોટેમસે હુમલો કર્યો હતો અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હુમલાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે થોડા દિવસ બાદ જ તેમનો જમણો પગ કાપવો પડ્યો હતો. શુક્રવારે રાત્રે રોહિદાસની કિડની ફેઈલ થઈ જતાં સ્થિતિ ક્રિટિકલ થઈ હતી. જે બાદ તેમને બ્રેન હેમરેજ થયું હતું અને રવિવારે સવારે મૃત જાહેર કરવામાં આવ્યા હતા, તેમ સયાજીબાગ ઝૂ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ કહારે જણાવ્યું હતું.પરિવારનો આધાર એવા રોહિદાસનું અવસાન થતાં વડોદારા મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના પરિવારના કોઈ સભ્યને નોકરી આપવાનો ર્નિણય કર્યો છે.

રોહિદાસ ઝૂમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા. સયાજીબાગમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ રહે છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે.

સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડને સાથે લઈને પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. ૯ માર્ચે પણ પ્રત્યુષ પાટણકર રોહિદાસ સાથે હિપ્પોપોટેમસના પાંજરામાં ગયા હતા. હિપ્પોપોટેમસે પહેલા પ્રત્યુષ પાટણકર પર હુમલો કર્યો હતો અને તેમને ઘાયલ કર્યા હતા.

પ્રત્યુષ પાટણકરને બચાવવા માટે ૪૨ વર્ષીય રોહિદાસ વચ્ચે પડ્યા હતા. એ વખતે હિપ્પોએ તેમને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ પ્રત્યુષ અને રોહિદાસ બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બંનેને મલ્ટીપલ ફ્રેક્ચર થયા હતા અને હિપ્પોએ મારેલા દાંતના કારણે ગંભીર ઈજા થઈ હતી.

ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર તો થોડા દિવસમાં સાજા થઈ ગયા પરંતુ રોહિદાસનો જીવ ના બચી શક્યો. રિપોર્ટ્‌સ પ્રમાણે, ઝૂ ક્યુરેટર કોઈપણ જાતની સેફ્ટી રાખ્યા વિના પાંજરામાં ઉતર્યા હતા. જ્યારે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન પ્રમાણે, કોઈપણ હિંસક પ્રાણીના પિંજરામાં જઈ શકાય નહીં. જાે પ્રાણીની કોઈ સારવાર કરવાની હોય તો ત્રણ સ્ટેજ પાર કર્યા પછી જ અંદર જવું હિતાવહ છે. સયાજીબાગ ઝૂમાં સિંહ, વાઘ, દીપડા સહિત કેટલાય જંગલી પશુઓ વસવાટ કરે છે.

સાથે જ વિવિધ પક્ષીઓનું પણ આ ઘર છે. આ ઝૂમાં પહેલો હિપ્પો ચુન્નુ ૨૦૧૬માં લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજાે માદા હિપ્પો ૨૦૧૭માં લવાયો હતો. ૨૦૧૯માં ઈનફાઈટ દરમિયાન ચુન્નુનું મોત થયું હતું. જ્યારે માદા હિપ્પો ડિમ્પીને એક બચ્ચું છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers