Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાણી મુખર્જીની જોવા જેવી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’

તાજેતરમાં નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ની ગણતરી પણ પણ આ પ્રકારની ફિલ્મોમાં કરી શકાય. રાણી મુખર્જીની ફિલ્મો કમર્શિયલ દ્રષ્ટિકોણથી ભલે 100-200 કરોડ ન કમાવી આપતી હોય, પણ પ્રેક્ષકોની આંખમાં આંસુ લાવવાનું ચૂકતી નથી.

‘મર્દાની’ ફિલ્મ આવા જ એક વિષય પર બનેલી ફિલ્મ હતી. જ્યારે ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ 2016ની સત્યઘટના પર આધારિત ફિલ્મ છે, જેમાં રાણી મુખર્જીએ માતાનો રોલ ભજવ્યો છે. જેમાં એક ભારતીય કપલ નોર્વેમાં પોતાનું જીવન શરૂ કરે છે અને તેમના પર નોર્વેની સરકાર દ્વારા તેમના બંને બાળકોને લઈ લેવામાં આવે છે.

પોતાના બે સંતાનો-શુભ અને શુચિ-અને પતિ અનિરુદ્ધ ચેટર્જી (અનિર્બાન ભટ્ટાચાર્ય) સાથે રહેતી દેબિકા ચેટર્જી (રાણી મુખર્જી) પોતાના પિયર-કલકત્તા, ભારતથી દૂર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે નોર્વેમાં સ્થાયી થઈ છે. એક દિવસ નોર્વેના સરકારી અધિકારીઓ દ્વારા તેના બંને નાનકડા ભૂલકાઓને ઉઠાવીને ફોસ્ટર-હોમમાં મૂકી દેવામાં આવે છે.

દેબિકા ચેટર્જી (રાણી મુખર્જી) અને તેનો પતિ માતા-પિતા તરીકે એમના બાળકોને સંભાળવા માટે સક્ષમ નથી, એ બહાનું આગળ ધરીને નોર્વે સરકાર એમના સંતાનોને દત્તક આપવાની તૈયારી કરી રહી છે. આ પરિસ્થિતિ સામે હિંમતભેર બાથ ભીડનારી દેબિકા ચેટર્જીને કેટલા સમય બાદ અને કયા સંજોગોમાં તેના સંતાનો પાછા મળશે, એના પર આખી ફિલ્મ આધારિત છે.

નોર્વેના સરકારી વકીલ તરીકે જિમ સરભ અને ભારતના કેબિનેટ મંત્રી તરીકે નીના ગુપ્તાનો પણ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છે. એક માતા તરીકેના કિરદારમાં રાણી મુખર્જી એ હદ્દે પોતાના પાત્રને ભજવે છે કે પ્રેક્ષકની આંખમાં આંસુ આવ્યા વગર ન રહે. તેની વેદના અને આક્રંદ સંવેદનશીલ વ્યક્તિના હ્રદયમાં શૂળની માફક ભોંકાય છે.

વાસ્તવિક ઘટના ઉપર આધારિત ફિલ્મ હોવાને કારણે ક્લાયમેક્સમાં આ કેસની સાચી તસ્વીરો પણ દર્શાવવામાં આવી છે. નીના ગુપ્તાનું પાત્ર જેમના વ્યક્તિત્વ પર આધારિત છે, એ હતાં આપણા પૂર્વ વિદેશમંત્રી – દિવંગત સુષ્મા સ્વરાજ (Sushma Swaraj former External affairs minister of India) . ઈન્ટરનેટ ઉપર આજની તારીખે પણ સુષ્મા સ્વરાજના વીડિયો વાયરલ છે.

ભારતના તેઓ એક એવા રત્ન હતાં, જેમણે ઘણી જિંદગીઓ સુધારવાનું કામ કર્યુ હતું. ભારતની બહાર વિદેશી ધરતી ઉપર વસવાટ ધરાવતાં લોકો માટે એમણે ઘણું કામ કર્યુ છે. આશિમા છિબર દિગ્દર્શિત અને લિખિત ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ ફિલ્મ બિલકુલ ચૂકવા જેવી નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers