Western Times News

Gujarati News

અમદાવાદમાં 4 ઇંચ કરા સાથે વરસાદ ખાબક્યો: ડેમના દરવાજા ખોલાયા

બનાસકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અંબાજીમાં ધોધમાર વર્ષા : સિહોરમાં દોઢ, વલ્લભીપુરમાં પોણો ઇંચ : ખાંભામાં મકાન પડયુ : હજુ બુધવાર સુધી આગાહી

વરસાદથી સ્લમ વિસ્તારમાં મકાનો ઉપરનાં પતરા ઉડી ગયા હતા અને હોર્ડિંગ તૂટી ગયા હતા

રાજકોટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ બુધવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે ત્યારે ગઇકાલે રાજયનાં અમદાવાદ, બનાસકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અંબાજી અને સૌરાષ્ટ્રમાં ભાવનગરનાં સિહોર તથા અંબાજીમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કરા સાથે ધોધમાર વરસાદ પડયો હતો.

ખાસ કરીને ગઇકાલે સાંજે 6.30 બાદ અમદાવાદમાં મીની વાવાઝોડા જેવા પવન અને કરા સાથે 4 ઇંચ વરસાદ ખાબકી જતા શહેર પાણી પાણી થઇ ગયું હતું અને આ તોફાની વરસાદનાં પગલે શહેરમાં ઠેર ઠેર 16 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા હતા.

જયારે આ તોફાની વરસાદથી સ્લમ વિસ્તારમાં મકાનો ઉપરનાં પતરા ઉડી ગયા હતા અને હોર્ડિંગ તૂટી ગયા હતા અને શહેરમાં ભારે કહી શકાય તેવા વરસાદથી તમામ અંડરપાસમાં પાણી ભરાઇ જતા હોય છે. પરંતુ રવિવારનાં અતિભારે વરસાદ ફકત મણિનગર દક્ષિણી અંડરપાસ સિવાય કોઇ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી નહોતી તેમ મ્યુનિ. તંત્રનું કહેવું છે.

જોકે મ્યુનિ.ના બિનસતાવાર સુત્રોએ સ્વીકાર્યુ હતું કે ભારે વરસાદનાં કારણે મ્યુનિ.ની હાલત કફોડી થઇ ગઇ હતી, વરસાદી પાણીનો નિકાલ કરાવવા માટે તમામ અંડરપાસનાં પંપ, સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનો ધમધમાટ ચલાવ્યા હતા. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આકસ્મિક કારણોસર ગંદા પાણીનાં નિકાલ માટે બાયપાસ લાઇન નાખવામાં આવે છે

તેમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવાનું શરૂ કરાયું હતું. એટલું જ નહીં સાબરમતી નદીમાં ખુલતા વરસાદી પાણીના નાળામાંથી પાણી નદીમાં ઠલવાય તે માટે નદીનું લેવલ ઘટાડવુ પડયું હતું.

આ ઉપરાંત અમદાવાદનાં પશ્ર્ચિમનાં વિસ્તારોમાંથી રોડ ઉ5ર ભરાયેલા વરસાદી પાણીનાં નિકાલ માટે સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઘટાડવા વાસણા બરાજનાં ચાર દરવાજા ખોલવા પડયા હતા અને નવા રીંગ રોડ ઉપર ઝુંડાલ નજીક અંડરપાસ બંધ કરવો પડયો હતો.તેમજ ઉતર ગુજરાતના મહેસાણા, પાલનપુર અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

જયારે ભારે પવનને કારણે ઘણા સ્થળે વિજળી ગુલ થઇ ગઇ હતી. તો સાણંદ તાલુકામાં સાડા છ વાગ્યાના સુમારે ભારે પવન અને ગાજવીજ સાથે લગભગ એક કલાક સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા તો અનેક સ્થળે વિજળી ગુલ થઇ ગઇ હતી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ મોડી સાંજે વાદળછાયુ વાતાવરણ થયા બાદ રાત્રીના સમયે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. સાબરકાંઠામાં પણ સાંજના સમયે વાદળો ગોરંભાયા બાદ રાત્રીના સમયે ખેડબ્રહ્મામાં વિજળી સાથે વરસાદ તૂટી પડયો હતો. જયારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના સિહોરમાં દોઢ ઇંચ અને વલભીપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. કેટલા ગામોમાં કરા પડ્યા છે જ્યારે શિહોર પંથકમાં એક મકાન ધરાસાઈ થયું હતું.

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇ કાલે સવારથી બપોર સુધી ભારે ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદી માહોલ ઊભો થતા ગરમી ગાયબ થઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગોહિલવાડ પંથકમાં ગઈ કાલે બપોર બાદ ફરી વરસાદી માહોલ ઊભો થવા પામ્યો હતો.તેજ પવન અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વર્ષા શરૂ થતા દિવસભર ગરમીથી તોબા પોકારી ગયેલા ભાવનગરવાસીઓમાં રાહતની લાગણી અનુભવાય હતી. ભાવનગર જિલ્લાના ભંડારીયા, મોટા ખોખરા, તણસા, સાણોદર વગેરે ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.