Western Times News

Gujarati News

USAનો ડીફોલ્ટ થવાનો ખતરો ટળ્યોઃ સેન્સેકસ 63000 ને પાર

ઓલરાઉન્ડ લેવાલીથી આઈટી બેંક, ઓટો, એફએમસીજી, મેટલ સહીતનાં ક્ષેત્રોના શેરોમાં સાર્વત્રિક તેજી

મુંબઈ, ભારતીય શેરબજાર તેજીની હરણફાળ ભરતુ રહ્યું હોય તેમ આજે ઓલરાઉન્ડ લેવાલીથી જોરદાર તેજી થઈ હતી. હેવીવેઈટ રોકડા સહીત મોટાભાગનાં શેરોમાં ઉછાળાથી સેન્સેકસ 500 પોઈન્ટના ઉછાળાથી 63000 ના લેવલને કુદાવી ગયો હતો.

આ ઉપરાંત બેન્ક શેરો આધારીત બેન્ક-નીફટી રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.છેલ્લા બે મહિનામાં બેન્ક નીફટીમાં 12 ટકાનો ઉછાળો નોંધાયો છે જયારે સેન્સેકસ તથા નીફટીમાં 10-10 ટકાનો વધારો થયો છે.

શેરબજારમાં આજે નવા સપ્તાહનો પ્રારંભ જ તેજીનાં ટોને થયો હતો.અમેરીકાનું દેવા સંકટ ડીફોલ્ટનો ખતરો ટળી જવાને પગલે સારી અસર થઈ હતી. 1લી જુનની ડેડલાઈન પૂર્વે જ સહમતી થઈ જતા માત્ર ભારત જ નહિં સમગ્ર વિશ્વને હાશકારો અનુભવાયો હતો. અમેરીકા ડીફોલ્ટ થવાના સંજોગોમાં વિશ્વસ્તરે ગંભીર આર્થિક અસર થવાનું સ્વાભાવીક હતું. જર્મની પછી સિંગાપોર પણ આર્થિક મંદિમાં સપડાયાના નેગેટીવ કારણને ડીસ્કાઉન્ટ કરી દેવાયું હતું.

અમેરીકી સંકટ ટળવાથી વિદેશી તેજી માટે ટેકારૂપ બની હતી કોર્પોરેટ પરીણામો સારા આવી રહ્યા હોવાથી તથા અલનીનોનાં જોખમ વચ્ચે પણ ચોમાસુ સામાન્ય બની રહેવાની હવામાન ખાતાની આગાહી જેવા પરીબળો પણ તેજી માટે ટેકારૂપ બન્યા હતા.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી નાણાં સંસ્થાઓએ મે મહિનામાં અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી કરી છે. આ આંકડાકીય રીપોર્ટ તેજીને ટેકાહે આપનાર બની રહ્યો છે. મંદીના કે ચિંતાજનક કોઈ કારણો નથી ત્યારે માર્કેટ તેજીનાં ઝોનમાં છે અને તેજીના માર્ગે વધુ આગળ વધી શકે છે.

શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં સુધારો હતો. ઈન્ફોસીસ , કોટક બેંક, મહિન્દ્ર, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ ટાઈટન લ્ટ્રાટેક સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આઈટી મેટલ, ઓટોમોબાઈલ, એફએમસીજી સહીતનાં ક્ષેત્રોનાં શેરોમાં ઉછાળો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સેકસ લાંબાગાળા બાદ 63000 ની સપાટી ક્રોસ કરી ગયો હતો. 437 પોઈન્ટના ઉછાળાથી 62939 સાંપડયો હતો જે ઈન્ટ્રા-ડે ઉંચામાં 63026 તથા નીચામાં 62801 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 117 પોઈન્ટના ઉછાળાથી 18617 હતો તે ઉંચામાં 18641 તથા નીચામાં 18592 હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.