Western Times News

Gujarati News

૨૪ કલાક મોબાઈલનું નેટવર્ક બંધ રહ્યું ને ખાતામાંથી જતા રહ્યા ૮૦ લાખ

અમદાવાદ, મોબાઈલમાં કોઈ લિંક આવે તો તેના પર ક્લિક ના કરવું, કોઈની સાથે OTP શેર ના કરવો વગેરે જેવી સાયબર ફ્રોડની ટ્રીક હવે લોકો જાણી ગયા છે અને પહેલા કરતાં વધુ સતર્ક રહેવા લાગ્યા છે. જેથી હવે સાયબર ફ્રોડ કરતાં શખ્સોએ નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. જેના થકી તેઓ તમારી પાસેથી ઓટીપી માગ્યા વિના જ ખાતામાંથી રૂપિયા ઉડાવી લે છે. A businessman from Ahmedabad was recently cheated of 80 lakhs

અમદાવાદના એક બિઝનેસમેન સાથે હાલમાં જ આવી ઠગાઈ થઈ છે. ૨૪ કલાકમાં તેમના ખાતામાંથી ૮૦ લાખ રૂપિયા ઉપડી ગયા છે. તેમણે કોઈને ઓટીપી નહોતો આપ્યો પરંતુ ૩૧મેથી ૧ જૂન વચ્ચે તેમનો ફોન બંધ થઈ ગયો હતો. મોબાઈલમાંથી એકાએક નેટવર્ક જતું રહ્યું હતું અને પાછું આવ્યું ત્યાં સુધીમાં ખાતામાંથી ૮૦ લાખ રૂપિયા ઉપડી ગયા હતા. વૈષ્ણોદેવી સર્કલ પાસે બાલાજી વિન્ડ પાર્કમાં રહેતા ૫૨ વર્ષીય કલ્પેશ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

તેમણે પોલીસને જણાવ્યું કે, તેઓ ફોમ પ્રોડક્ટ્‌સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવે છે, જે હિંમતનગરમાં તલોદ રોડ પર આવેલું છે. કલ્પેશ શાહનું બેન્ક અકાઉન્ટ હિંમતનગરની એક રાષ્ટ્રીયકૃત બેંકમાં આવેલું છે. ૩૦ મેના રોજ સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ કલ્પેશ શાહના ફોનમાંથી નેટવર્ક એકાએક જતું રહ્યું.

ફોન આવતા નહોતા અને તેઓ કોઈને કરી પણ નહોતા શકતા. ૩૧ મેના રોજ તેઓ ઓફિસ પહોંચ્યા ત્યારે તેમના સ્ટાફના એક સભ્યએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. ટેલિકોમ સર્વિસના પ્રતિનિધિએ કહ્યું કે, કલ્પેશ શાહનું સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવાની રિક્વેસ્ટ આવી હતી જેથી તેમણે કાર્ડ બંધ કરી દીધું હતું. કલ્પેશ શાહે જણાવ્યું કે, તેમનો ફોન થોડીકવાર માટે એક્ટિવ થયો હતો અને ૩૧ મેની સાંજે સાડા પાંચ વાગ્યે એકદમથી જ નેટવર્ક જતું રહ્યું હતું.

ફ્રોડ થયો હોવાની આશંકાએ કલ્પેશ શાહે તેમનું બેંક અકાઉન્ટ ચેક કર્યું તો તેમાંથી ૭૯.૭૦ લાખ રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. કલ્પેશ શાહે કહ્યું કે, તેમણે બેન્કિંગ ડિટેલ્સ કોઈની સાથે શેર નહોતી કરી તેમ છતાં રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા. સાયબર એક્સપર્ટના કહેવા અનુસાર, ધૂતારાઓ પહેલા નિશાને હોય તે વ્યક્તિનું ડિવાઈસ હેક કરે છે અને પછી તેમાંથી આઈડેન્ટિટી ડૉક્યુમેન્ટ્‌સ મેળવે છે.

આ વિગતોનો ઉપયોગ કરીને તેઓ સિમકાર્ડ ડિએક્ટિવેટ કરાવે છે અને પછી ફરીથી ઈશ્યૂ કરાવીને પોતે ઉપયોગ કરે છે. નવા સિમકાર્ડની મદદથી ઓટીપી તેમના ડિવાઈસમાં આવે છે અને તેઓ સરળતાથી રૂપિયા ઉપાડી લે છે. હાલ તો સાયબર ક્રાઈમ પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહિત ષડયંત્રની ફરિયાદ દાખલ કરી છે. સાથે જ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.