Western Times News

Gujarati News

૬ વર્ષીય બાળક અને ૬૩ વર્ષીય વડીલની જોડીએ બનાવ્યું નાનકડું “ઉપવન”*

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના સરકારી આવાસમાં રહેતા પર્યાવરણના પરિચારક શ્રી મુકેશભાઈ આચાર્ય અને યશવિર પટેલની જોડીએ કરી કમાલ

યશવિર માટે અભ્યાસ સિવાયની ઇત્તર પ્રવૃત્તિ એટલે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન – યશવિરના પિતા શ્રી વિરલભાઈ

કહેવાય છે કે સેવકાર્યોની શરૂઆત કોઈપણ સમય, સ્થળ અને પરિસ્થિતિમાં કરી શકાય. તેના માટે ન તો ઉંમરની કોઈ સીમારેખા છે ન તો લાયકતની. એમાં પણ વાત પર્યાવરણની હોય ત્યારે તો કરીએ તેટલું ઓછું. પર્યાવરણ માટે સેવારત એક બાળક અને વડીલની જોડીની આ વાત છે.

૬ વર્ષીય બાળકનું નામ યશવિર વિરલભાઈ પટેલ અને ૬૩ વર્ષીય વડીલનું નામ મુકેશભાઈ આચાર્ય. આ બન્ને અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં રહે છે. તેમણે બે વર્ષ પહેલાં વસાહત પરિસરને વધુ હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો અને આજે તેમાં તેઓ સફળ પણ થયા છે.

વાત જાણે એમ છે કે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર એવા મુકેશભાઈના પત્ની સરકારી કર્મચારી હોવાને કારણે તેમને આ વસાહતમાં આવાસની ફાળવણી થઈ અને ૨૯ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેઓ અહીં સ્થાયી થયા. કિશોરભાઇના કહેવા પ્રમાણે આવાસમાં તમામ સુવિધાઓ તો હતી જ. પણ તેમનો સંકલ્પ હતો કે આ જગ્યાને વધુ હરિયાળી બનાવીએ.

બે વર્ષ પહેલાં એક પ્રકૃતિપ્રેમીની વર્ષગાંઠ નિમિતે ૧૦ છોડનું વાવેતર કરાયું અને ત્યાર પછી મુકેશભાઈના આ સંકલ્પને સાકાર કરવામાં વસાહતમાં રહેતા અનેક સરકારી અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિજનોનો સહયોગ મળતો રહ્યો. આ સહુમાંથી સૌથી વધુ મહેનતુ અને પ્રામાણિક પ્રયાસ કરનાર સૌથી નાની ઉંમરનો સભ્ય બન્યો ૬ વર્ષનો યશવિર.

યશવિર એટલે હસતું ફૂલ જ જોઈ લો ! તેને વૃક્ષારોપણ અને જતનની પ્રવૃતિમાં રસ પડ્યો. તેની આ કામ માટેની ધગશ અને નિષ્ઠા ગજબની ! કોઇની તાકાત નહીં કે વાવેલા છોડનું એક ફૂલ પણ તોડે, મુકેશભાઈ અને યશવિરે નક્કી કર્યું છે કે અહી જે ફૂલ ખીલે તેના પર સૌ પ્રથમ હક્ક પક્ષી, પતંગિયા અને કિટકો નો જ રહેશે.

યશવિરના પિતા વિરલભાઈ કહે છે કે, યશવિર માટે અભ્યાસની સાથે આ ઉપવનની કાળજી રાખવી એ જ ઇત્તર પ્રવૃત્તિ. ઘરે ન હોય ત્યારે તે બગીચાની આજુબાજુ જ મળી આવે. ક્યારેક છોડને પાણી પીવડાવતો જોવા મળે, તો ક્યાર કચરો એકઠો કરતો જોવા મળે. આમ તેના માતા-પિતાએ પણ તેનો આ પ્રવૃત્તિ માટે ઉત્સાહ વધાર્યો.

વસાહતના જ સભ્ય શ્રી ઉમંગ બારોટ જણાવે છે કે, મુકેશભાઈ, યશવિર અને અન્ય જાગૃત સભ્યોના પરિશ્રમને પરિણામે આજે ફળ-ફૂલ અને છાંયડો આપતું નાનકડું ઉપવન સહુ માટે સમય પસાર કરવાનું પ્રિયસ્થળ બની ગયું છે.

આમ, મુકેશભાઈ યશવિર માટે જાણે દાદા સમાન બની ગયા અને યશવિર મુકેશભાઈ માટે પૌત્ર સમાન. આ જોડીના અથાક પ્રયાસોથી આજે વસાહતના પરિસરમાં વૃક્ષારોપણ અવિરત ચાલી રહ્યું છે. અન્ય પરિવારોને પણ સમજાવી તેમણે આ પ્રવૃત્તિમાં જોડ્યા છે. અને ખરા અર્થમાં પર્યાવરણના પરિચારક બન્યા છે. જે સહુ માટે પ્રેરણારૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.