Western Times News

Gujarati News

GSRTC બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ-રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી (GSRTC) બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ

વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghvi) વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મહત્વની ઈ-પાસ સિસ્ટમનો ગાંધીનગરથી શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (Chief Minister Bhupendra Patel)  માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૨ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભથી નવી ઇ-પાસ સિસ્ટમ અમલી થશે.

એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે. રાજ્યની ડિજિટલ ક્રાંતિમાં વાહનવ્યવહાર વિભાગની નવતર પહેલ થકી રોજિંદા ત્રણ લાખથી વધુ મુસાફરો તથા અંદાજિત ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ લાભ થશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, નવી ઈ-પાસ સિસ્ટમના અમલીકરણથી વિદ્યાર્થીઓ તેમજ રોજીંદા મુસાફરોના સમયનો બચાવ થશે. ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકાશે જેથી રાજ્યમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધવાથી ડિજિટલ ક્રાંતિને વેગ મળશે. વધુમાં, નજીકના કોઈ પણ બસ સ્ટેશન ખાતેથી પાસની પ્રિન્ટ મેળવી શકાશે અને લાઈનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના ડેટાનું જોડાણ કરીને વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાજનક સેવાઓ પૂરી પાડવાના હેતુથી ઈ-પાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ સિસ્ટમ અંતર્ગત ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. આગામી સમયમાં રાજ્યની આઈ.ટી.આઈ. તથા કોલેજોનો સમાવેશ કરવાની કામગીરી હાથ ધરાશે.

રાજ્યમાં હાલ નિગમ દ્વારા ૧૨૫ બસ સ્ટેશનો, ૧૦૫ કંટ્રોલ પોઇન્ટ તેમજ ૩૩,૯૧૫થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ મારફતે દર વર્ષે ૫.૧૭ લાખથી વધુ વિદ્યાર્થીનીઓ અને ૪.૯૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહતદરના પાસ આપવામાં આવે છે. તેમજ ૮૦ હજારથી વધુ રોજીંદા મહિલા અને ૨.૩૨ લાખથી વધુ પુરૂષ રોજીંદા મુસાફરો મળી કુલ ૩ લાખથી વધુ રોજીંદા મુસાફરોને પાસની સુવિધા ૫૦ ટકા રાહત દરે (૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરી યોજના) આપવામાં આવે છે. ઈ-પાસ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ અને મુસાફરો પોતે જ કોમ્પ્યુટર અથવા મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

વાહન વ્યવહાર વિભાગના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી એમ. એ. ગાંધીએ વિગતો આપતાં કહ્યું હતું કે, નિગમના રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભું રહેવું ન પડે અને ઓનલાઈન પેમેન્ટ તેમજ વિદ્યાર્થીઓના વેરીફિકેશન થકી ત્વરિત આઈ કાર્ડ પાસ મેળવી શકાય તેવા હેતુથી ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન ઈ-પાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.

pass.grtc.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ વિદ્યાર્થીઓ તથા દૈનિક મુસાફરોને ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓના કિસ્સામાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આ એપ્લિકેશનનું વેરિફિકેશન પણ જે-તે ધોરણ ૧ થી ૧૨ માટેની શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. ત્યારબાદ ઓનલાઇન અથવા ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ આવશે જેની જાણ અરજીકર્તાના મોબાઈલ પર પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં વિદ્યાર્થીઓ અને રોજીંદા મુસાફરોએ નિયત કાઉન્ટર પરથી અરજી પત્રક મેળવવાનું રહે છે. ત્યારબાદ આ અરજી પત્રક મેન્યુઅલી ભરવાનું રહે છે. અરજી પત્રક ભર્યા પછી સંબંધિત શૈક્ષણિક સંસ્થાના સહી-સિક્કા કરાવ્યાબાદ નિગમના કાઉન્ટર પર એપ્લિકેશન ફોર્મ આપી રોકડ ચુકવણું કર્યા બાદ આઈ કાર્ડ/પાસ મેળવી શકાય છે.

આ પ્રસંગે બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. – દિપક જાદવ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.