Western Times News

Gujarati News

મુંબઈમાં સ્વર્ગસ્થ એસ.પી. હિન્દુજાને અનેક રાજ્યોના વડાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈ, હિન્દુજા પરિવારના આદરણીય વડા અને હિન્દુજા જૂથના દિવંગત અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રીચંદ પી. હિન્દુજાને મુંબઈમાં આયોજિત પ્રાર્થના સભા દરમિયાન ગહન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તમામ રાજકીય પક્ષોના રાજકીય મહાનુભાવો, ઉદ્યોગના અગ્રણીઓ, શુભચિંતકો, ફોરેન કાઉન્સેલ અને આધ્યાત્મિક ગુરૂઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી Mumbai Extends Reverential Homage to the Late S. P. Hinduja

અને શ્રી એસ. પી. હિન્દુજાના સખાવતી કાર્યો તેમજ 108 વર્ષ જૂના ઔદ્યોગિક સમૂહના તેમના અધ્યક્ષપદ દરમિયાન ગ્રુપના સિદ્ધાંતો તથા મૂલ્યો પ્રત્યેની તેમની અનન્ય સમર્પિતતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તમામ ક્ષેત્રોના 2500થી વધુ મહેમાનોએ સ્મરણાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાએ તેમના સૌથી પ્રિય ભાઈ શ્રીચંદને પરિવાર અને મિત્રો માટે મિત્ર, માર્ગદર્શક અને ગુરુ તરીકે યાદ કર્યા. “અમારા ભાઈઓ માટે, તે અમારી દુનિયાનું કેન્દ્ર હતા અને તેમણે અમને એકબીજા સાથે અને અમારા કુટુંબના સિદ્ધાંતો અને મૂલ્યો મુજબ શાંતિ અને સુમેળથી રહેવાનો માર્ગ બતાવ્યો હતો.

મારા માટે અંગત રીતે, તેમના નિધનથી મારા હૃદયમાં સંપૂર્ણ શૂન્યતા થઈ ગઈ છે. તેઓ મારા બાળપણના માર્ગદર્શક હતા અને તેમના માર્ગદર્શન હેઠળ હું મોટો થયો છું. નાનપણથી જ અમે સંપૂર્ણપણે એકમેકના અંગ સમાન હતા. અમે બધા કામો એક સાથે કર્યા.

લોકો હંમેશા અમારી સરખામણી રામ અને લક્ષ્મણ સાથે કરતા હતા. પ્રકાશ ભરત હતા અને અશોક શત્રુઘ્ન હતા…. શ્રીચંદે પોતાના વતન અને યજમાન દેશો વચ્ચેના સંબંધોને સુધારવા માટે અથાક મહેનત કરી અને કદાચ પ્રસિદ્ધિથી દૂર પડદા પાછળ કામ કરતા ભારતના મહાન રાજદૂત હતા.

અમે ભાઈઓ સાથે તેમની ભૂમિકા વૈશ્વિક સ્તરે ભારતની છબિને મજબૂત બનાવવાની અને સુધારવાની હતી. પ્રિય એસપી, અમે તમને ખાતરી આપીએ છીએ કે આપણો પરિવાર પેઢી દર પેઢી તેની આગળની સફર ચાલુ રાખશે અને દાદા અને અમ્મા પાસેથી તમને વારસામાં મળેલા મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કરશે અને તેને અમારી ભાવિ એકતા અને કલ્યાણ માટે અમને પ્રદાન કરશે,” એમ જીપી હિન્દુજાએ જણાવ્યું હતું.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન શ્રી નીતિન ગડકરીએ દિલ્હીથી તેમના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે “શ્રીચંદ હિન્દુજા માત્ર સંપત્તિ સર્જક ન હતા પરંતુ રોજગારી સર્જનારા હતા જેમણે 48 દેશોમાં 2,00,000 નોકરીઓનું સર્જન કર્યું હતું. ભારત સરકારે આ જૂથ સાથે ખૂબ જ સારા સંબંધો માણ્યા છે. વડાપ્રધાન નરસિંહ રાવના કાર્યકાળ દરમિયાન, જૂથે દેશને વિશેષ સહાયતા આપી હતી.”

અગ્રણી આધ્યાત્મિક ગુરૂઓ, ઇસ્કોનના પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, પરમાર્થ નિકેતનના ઋષિકેશના સ્વામી ચિદાનંદ સરસ્વતી, બીએપીએસ સ્વામિનારાયણના પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારી અને ઇશા ફાઉન્ડેશનના સદગુરુએ શ્રી એસ.પી. હિન્દુજાની સ્મૃતિને પોતાના વક્તૃત્વમાં વાગોળી હતી.

ઇસ્કોનના સૌથી વરિષ્ઠ આધ્યાત્મિક સંત પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજે એક મજબૂત કૌટુંબિક વ્યક્તિ તરીકેની માન્યતાઓ અંગે એસપી હિન્દુજાની પ્રતિબદ્ધતાને આદર આપતા જણાવ્યું હતું કે, “અમે એકતા અને પ્રગતિના સાચા હિમાયતી એવા એસ.પી. હિન્દુજાની ખોટ પર શોક વ્યક્ત કરીએ છીએ.

તેમની અપાર ઉદારતા અને સામાજિક મુદ્દાઓ પ્રત્યેના સમર્પણની વૈશ્વિક સ્તરે સમુદાયો પર પરિવર્તનકારી અસર પડી છે. તેમના પરોપકારી પ્રયાસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.”

શ્રી એસ. પી. હિંદુજાની મધુર સ્મૃતિઓને યાદ કરતાં ઋષિકેશના પરમાર્થ નિકેતનના આધ્યાત્મિક વડા સ્વામી ચિદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે “એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પરોપકારી તરીકે શ્રી એસ. પી. હિંદુજાનો વારસો અપ્રતિમ છે. તેમના નોંધપાત્ર યોગદાને અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તનો લાવ્યા છે અને તેમની ગેરહાજરી ઊંડે સુધી સાલશે.”

બીએપીએસ સ્વામિનારાયણના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ શ્રીચંદ હિન્દુજાને “દરેક ક્ષણ જીવી જનારા માણસ અને મૃદુહૃદય ધરાવતા માણસ તરીકે વર્ણવ્યા હતા…પરોપકાર તેમના જીવનનો એક ભાગ હતો.”

આ ઉપરાંત, પ્રખ્યાત ગાયકો કૈલાશ ખેર, અનુપ જલોટા અને રાહત ફતેહ અલી ખાને શ્રી એસ. પી. હિન્દુજાને આત્માને સ્પર્શતા ભક્તિ ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આ પ્રસંગને ઊંડો આદરણીય સ્પર્શ ઉમેર્યો હતો.

શ્રી અશોક હિન્દુજાના પત્ની શ્રીમતી હર્ષા હિન્દુજાએ શ્રી એસપી હિન્દુજા સાથેના પિતા તરીકેના તેમના ખાસ સંબંધોને પ્રેમપૂર્વક યાદ કર્યા હતા. હિન્દુજા પરિવારની ત્રીજી પેઢીના સભ્યો, સંજય હિન્દુજા, અજય હિન્દુજા, ધીરજ હિન્દુજા અને શોમ હિન્દુજાએ એસપી હિન્દુજાના વારસાને જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુજા પરિવારને વિશ્વભરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓના શોક પત્રો અને સંદેશાઓ પણ પ્રાપ્ત થયા છે, જેમાં નામાંકિત રાજવીઓ, રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો, આધ્યાત્મિક અને વેપારી અગ્રણીઓ, પ્રખ્યાત કલાકારો, પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતિભાઓ, અને પ્રિય સહયોગીઓએ તેમની હૃદયપૂર્વકની સહાનુભૂતિ વ્યક્ત કરી છે તથા એસ.પી. હિન્દુજાના જીવન અને યોગદાનની ઊંડી અસર તેઓ છોડી ગયા છે તેના પર ભાર મૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.