Western Times News

Gujarati News

પ્રથમ વરસાદમાં પાણી ભરાતા ભરૂચ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી

ભરૂચમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી 

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર અને જીલ્લામાં રવિવારની રાતથી નેઋત્યનું ચોમાસુ બેસી જવા સાથે મૌસમના પેહલા વરસાદે જ શાનદાર પધરામણી નોંધાવતા નીચાણવાળા વિસ્તાર સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતા પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ છતી થઈ હતી.

ભરૂચ જીલ્લામાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે.ત્યારે ભરૂચ તાલુકામાં સૌથી વધુ ૨ ઈંચ, અંકલેશ્વર તાલુકામાં ૧.૫ ઈંચ,વાગરામાં ૧.૫ ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાયા હતા.તો ભરૂચના સેવાશ્રમ રોડ પર બે દશક જૂની પાણી ભરાવાની સમસ્યા હલ કરવા પાલિકાએ ૩ કરોડના ખર્ચે હેવી પેવર બ્લોકના માર્ગની કામગીરી શરૂ કરી હતી.

જાેકે મૌસમના પ્રથમ વરસાદે જ ભરૂચનું આ વોટર લોગીંગ સ્પોટ હેવી પેવર બ્લોકના માર્ગ પર હાવી રહેતા પાલિકાની કામગીરી વિફળ રહી હોવાનું અને પ્રજાના ૩ કરોડ પાણીમાં ગયાનો ગણગણાટ ઉભો થયો છે. વરસાદના કારણે મહત્તમ તાપમાન પણ ૨૪ કલાકમાં જ ૩૪ ડીગ્રીથી ગગડી ૨૮ ડીગ્રી થઈ ગયું છે.

જીલ્લાના અન્ય તાલુકાઓમાં ઝઘડિયામાં ૧૫ મિમી, હાંસોટમાં ૭ મી.મી,જંબુસરમાં ૬ મી.મી, વાલિયા-નેત્રંગમાં ૩ મી.મી અને આમોદમાં ૨ મી.મી વરસાદ નોંધાયો છે.

વરસાદના પગલે શહેરના કસક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો જામ થતા ગટરના ગંદા પ્રદૂષિત પાણી રોડ ઉપર આવ્યા હતા.જેના કારણે નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની પ્રિમોન્સૂન કામગીરી કરવામાં ન આવી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે.

ગટરના ગંદા પ્રદૂષિત પાણી માંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર બનતા સાથે પાણીજન્ય રોગચાળાનો ભય પણ ઉભો થયો છે.

તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્યમાર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં નગર પાલિકા દ્વારા કાંસની સફાઈમાં વેઠ ઉતારવામાં આવતા ગટર લાઈન ચોકઅપ થઈ જવાના કારણે પાણીનો ભરાવો થયો હોવાનું વાહનચાલકો સહિત રાહદારીઓ આક્રોશ સાથે જણાવ્યુ હતુ.તો વરસાદી પાણી ભરાતા જ દુકાનદારોને ભારે હાલાકી ભોગવી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.