Western Times News

Gujarati News

પાટણ યુનિવર્સિટીમાં તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

પાટણઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી માટે યોજાયેલ પરીક્ષામાં યુનિવર્સિટીના સત્તાધીશોએ વ્હાલા દવાલાની નીતિ અપનાવી હોવાના આક્ષેપો થતા આ મામલે પાટણના ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરતા ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની તપાસ ટીમ પાટણ આવી પહોંચતા યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચ્યો હતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાની ગેરરીતિની તપાસ માટે આવેલી ટીમના અધિકારીઓએ રજુઆત કરનાર પરીક્ષાર્થીઓ અને ધારાસભ્યને તપાસમાં નહીં બોલાવતા અનેક સવાલો ઉભા થયા છે.

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને પી.એ ટુ રજીસ્ટારની ભરતી માટેની પરીક્ષામાં યુનિવર્સિટીના સત્તાધીશોએ ઉમેદવારો પાસેથી ઊચી રકમ લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે પરીક્ષામાં ગેરરીતિ કરાઈ હોવાની પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો, સાથે જ મુખ્યપ્રધાનને આ બાબતે રજુઆત કરવામાં આવતા સરકારની એક ટીમ દ્વારા યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

પાટણ યુનિવર્સિટીમાં તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યાતપાસ કરવા આવેલ ટીમના અધિકારીઓએ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ, રજીસ્ટ્રાર, સહીતના કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી હતી. તેમજ બંધ બારણે બેઠકો પણ કરી હતી. નવેમ્બર માસમાં લેવાયેલ આ પરીક્ષામાં 20 જેટલા ઉમેદવારોએ ઉત્તરવહી કોરી છોડી હોવાની તેમજ મહિલા અનામતની જોગવાઈ પણ કરવામાં ન આવી હોય આ પરીક્ષામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.