Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાય તે માટે સરકારની નવતર પહેલ

બસ’ શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત 

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’નું ગાંધીનગર ખાતે લોકાર્પણ : ઉડ્ડયન રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ 

આ નવીન બસ હાલમાં સાયન્સ સીટી  અમદાવાદ ખાતે જાહેર પ્રદર્શન માટે મુકવામાં આવશે 

રાજય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓમાં ઉડ્ડયન- એવિએશન ક્ષેત્રે રૂચિ પેદા થાય તથા પાયલટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન મળે તે માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે સિમ્યુલેટર એક્ઝિબિશન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અને ઉડ્ડયન રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકુલ, ગાંધીનગર ખાતે આજે ‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’નું લોકાપર્ણ કરાયું હતું.

આ બસમાં પ્રતિકાત્મક રૂપે વિમાનના પાયલોટની કોકપીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં નાગરિક ઉડ્ડયન વિભાગના પાયલટ શ્રી દિપ્તેશ ચૌધરીએ  થ્રીડી ટેકનોલોજી આધારિત વિમાન ટેકઓફ અને લેન્ડીંગ તેમજ વિમાન ઉડાડવાની ટેકનોલોજીની મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માને પ્રત્યક્ષ  અનુભૂતિ કરાવીને જરૂરી ટેકનોલોજીથી માહિતીગાર કર્યા હતા.


લોકાર્પણ બાદ મીડિયાને વિગતો આપતા મંત્રીશ્રી રાજપૂતે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉડ્ડયન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી રૂ. ૧.૪૩ કરોડના ખર્ચે શરૂ કરાયેલ સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ પ્રોજેક્ટ એ એક અનોખી પહેલ છે.

જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં વિવિધ શાળાઓ અને પ્રવાસન સ્થળોએ વિદ્યાર્થી – પ્રવાસીઓને ઉડ્ડયન સેવા બાબતે પ્રોત્સાહિત કરી તેનું માર્ગદર્શન કરવાનું છે. આ આયોજનની સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં આવા અનેક પ્રોજેક્ટ અને પ્રોત્સાહન પર કાર્ય કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, રાજયના મહત્વના પ્રવાસન સ્થળો જેવા કે નડાબેટ ખાતે સીમા દર્શન, સુરેન્દ્રનગર ખાતે તરણેતર મેળો, ધોરડો ખાતે રણોત્સવ વગેરે કાર્યક્રમો દરમિયાન આ બસ ઉડ્ડયન ક્ષેત્રની જાગૃતિ માટે પ્રચાર અને પ્રસાર કરશે. આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિમ્યુલેટર લોકોને વાસ્તવિક એરક્રાફ્ટ ઉડાડવાની અનુભૂતિ પ્રદાન કરશે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ અનુભવ મળશે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ પાયલટ અને એરોનોટીકલ એન્જિનિયર બનવાની પ્રેરણા પણ મળશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, હાલ આ બસ સાયન્સ સિટી અમદાવાદ ખાતે મૂકવામાં આવશે અને સાયન્સ સિટી ઓથોરિટી દ્વારા દૈનિક ધોરણે તેનું સંચાલન કરવામાં આવશે. ઉપરાંત, આ બસનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં પ્રદર્શન યોજવા માટે અને તહેવારોના સમય દરમિયાન બસને અલગ-અલગ સ્થાને સ્થાનાંતરિત કરવામાં આવશે, જે ઉડ્ડયન ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો માટે અસરકારક સાબિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર હસ્તકના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતમાં એવિએશન ક્ષેત્રે માળખાગત સુવિધાઓ ઉભી કરવા, રાજ્યને એરકનેક્ટીવીટી પુરી પાડવા, એવિએશન ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવાના આશયથી આવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી હારિત શુક્લા તેમજ નાગરિક ઉડ્ડયન નિયામક શ્રી નીતિન સાંગવાન સહિત નાગરિક ઉડ્ડયન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાયલટ ઉપસ્થિત રહ્યા હતા.

વિમાન ટેક ઓફ, ફ્લાયિંગ તેમજ લેન્ડીંગની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવતી ગુજરાત સરકારની પહેલ એટલે ‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’

વિમાન ટેકઓફ, ફ્લાયિંગ તેમજ લેન્ડીંગની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવતી રાજ્ય સરકારની નવીન પહેલ એટલે ‘સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ’. નાગરિક ઉડ્ડયન દ્વારા સિમ્યુલેટર કમ એક્ઝિબિશન બસ તૈયાર કરવામાં આવી છે. સિમ્યુલેટર કમ પ્રદર્શન બસ પ્રોજેક્ટ એ એક અનોખી પહેલ છે.

આ બસમાં ઇન્સ્ટોલ સિમ્યુલેટર વિદ્યાર્થી-મુલાકાતીઓને વાસ્તવિક એરક્રાફ્ટ ઉડવાની અનુભૂતિ પ્રદાન કરે છે. જે  યુવાનોમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી ઘડતર તેમજ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરશે. જેના પરિણામે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ પાયલટ અને એન્જિનિયર બનવાની પ્રેરણા મળશે.

આ પ્રદર્શન બસના માધ્યમથી રાજ્યમાં વિવિધ શાળાઓ અને પ્રવાસન સ્થળોએ પ્રેક્ષકોને ઉડ્ડયન સેવાઓને પ્રોત્સાહન આપવા અને તેનું પ્રદર્શન કરવાનો છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ સરકારી અને બિન સરકારી શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ ઉપરાંત નડાબેટ ખાતે સીમા દર્શન, સુરેન્દ્રનગર ખાતે તરણેતર મેળો, ધોરડો ખાતે રણોત્સવ જેવા પ્રવાસનના હેતુથી વિવિધ આયોજન  દરમિયાન આ બસ ઉડ્ડયન ક્ષેત્રે વિવિધ તકોથી પ્રવાસીઓને માહિતીગાર કરાશે જે રાજ્ય અને દેશની ઉડ્ડયન ક્ષેત્રના વિકાસમાં ભાગીદારી વધારશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.