Western Times News

Gujarati News

બે કલાકમાં વિસાવદરમાં ૭.૫ ઈંચ વરસાદ- દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ

ગીર-સોમનાથ અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાવર્ત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે શુક્રવારે બપોર સુધીમાં રાજ્યના ૪૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં ૧૦ તાલુકામાં ૧ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. વિસાવદર તાલુકાના જાંબુડી ગામ પાસે આવેલ આંબાજળ ડેમમાં પાણીની આવક વધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડએલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ નવ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રીએ આ બંને જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરી સર્વે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. એમાં દ્વારકા જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, પોરબંદર, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જામનગર પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે.તેમજ આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આગામી ૭ દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ અરવલ્લી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.