Western Times News

Gujarati News

રાજ્યમાં ૭૬૦૦ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૭૧૦૦થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા:

ગોબરગેસ પ્લાન્ટમાંથી જાતે જ બળતણ ગેસ ઉત્પાદિત કરતા નાગરિકોને વાર્ષિક રૂ. ૧૨ થી ૨૫ હજાર જેટલી બચત થઈ: શ્રી રાઘવજી પટેલ

ગુજરાતમાં ‘ગોબર ધન પ્રોજેકટ‘થી આવી ક્રાંતિ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા નાગરિકોએ બળતણ તરીકે અપનાવ્યો પ્રદૂષણમુક્ત ગોબર ગેસ

ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮માં ‘ગોબર ધન યોજના‘ અમલમાં મૂકી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ‘ગોબર ધન પ્રોજેકટ‘ થકી ક્રાંતિ આવી છે. ગુજરાતમાં ૭૬૦૦ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં કુલ ૭૧૦૦થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યના ખેડૂતો અને પશુપાલકોની આવક વધારીને તેમને આત્મનિર્ભર બનાવવામાં બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા નાગરિકોએ પણ બળતણ તરીકે પ્રદૂષણમુક્ત ગોબર ગેસ અપનાવ્યો છે. ગોબરગેસ પ્લાન્ટમાંથી નાગરિકોને જાતે જ બળતણ ગેસ ઉત્પાદિત કરતા થયા છે, જેના પરિણામે તેમનો બળતણનો ખર્ચ ઝીરો થયો છે. આ સાથે જ વાર્ષિક રૂ. ૧૨ હજાર થી ૨૫ હજાર જેટલી કિંમતના એલ.પી.જી. ગેસની પણ બચત થઈ રહી છે.

ગુજરાત રાજ્ય ૨ ઘન મિટર ક્ષમતા ધરાવતા ૭૬૦૦ જેટલા વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ૭૬૦૦ના લક્ષ્યાંક સામે રાજ્યના ૩૩ જિલ્લાઓને મળી અત્યાર સુધીમાં  કુલ ૭૧૪૭ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે, ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી ગોબર ધન યોજના પર્યાવરણ અનુકુલિત છે. પશુઓના છાણનો ઈંધણની જગ્યાએ ગોબરગેસ પ્લાન્ટમાં ઉપયોગ થાય તો, પ્રદૂષણ ઘટવાની સાથે ગ્રામીણ પરિવારોને ઘર વપરાશ માટેનો ગેસ મળે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્લરીનો ખાતર તરીકે સીધો ખેતરમાં ઉપયોગ કરી શકાય છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્વચ્છ ભારત મિશનને પ્રોત્સાહન આપતા ગોબરધન પ્રોજેકટના સુચારૂ અમલીકરણ માટે ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), અમૂલ ડેરી, બનાસ ડેરી, દૂધસાગર ડેરી, સાબર ડેરી અને ભારત બાયોગેસ એનર્જી લી.(BBEL)ને મુખ્ય અમલીકરણ એજન્સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ગોબરગેસ પ્લાન્ટ સ્થાપવામાં સહાય કરવા ઉપરાંત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા NDDB મારફત લાભાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગત વર્ષે આણંદમાં ૨૫ જિલ્લાના ૧૩૦૦ થી વધુ લાભાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોબર ધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની કુલ કિંમત રૂ. ૪૨,૦૦૦ છે. જેમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા રૂ. ૨૫,૦૦૦ની  સબસિડી આપવામાં આવે છે, તેમજ રૂ. ૧૨,૦૦૦ મનરેગા યોજના હેઠળ આપવામાં આવે છે. બાકી રહેલા રૂ. ૫,૦૦૦ લોકફાળા રૂપે લાભાર્થી પાસેથી ઉઘરાવવામાં આવે છે.

ગોબર ધન યોજના એક છે પણ તેના લાભ અનેક છે. એટલા માટે જ, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગોબરગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની આ યોજનાને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.