Western Times News

Gujarati News

ગૌમૂત્ર, ગાયનું છાણ, દહીં, માટી અને ઘી જેવા પંચ દ્રવ્ય વડે ગણપતિ બનાવતું દંપતિ

(માહિતી) વડોદરા, આપણા ભારતવર્ષમાં વેદની અંદર જેમ ગાયને માતા તરીકે પુજ્ય મનાય છે તેમ ગાયનાં છાણ-ગૌમૂત્રની પણ આયુર્વેદમાં મહત્વતા દર્શાવાઇ છે. ભારતમાં ગાયનાં છાણ-ગૌમૂત્રનો ઔષધિય દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ગાયનું દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે

જે માનવશરીરની રોગપ્રતિકારકને મજબૂત બનાવી અનેક ચેપી રોગોના સંક્રમણથી બચાવે છે. આમ, ગાય આપણને અનેક રીતે ઉપયોગી છે તેમ છતાં આપણે શહેરી વિસ્તારમાં ઘણી જગ્યાઓએ ગાયોને રસ્તામાં અડફેટાતી અને તરછોડાયેલી-બિમાર હાલતમાં જાેવા મળે છે.

હા, અહીં આપણે વાત કરીએ છીએ એવી દંપતીની કે જેઓ બિમાર અને તરછોડાયેલી ગાયોની સાચવણી કરીને તેની સેવા કરે છે. અત્યારે આ દંપતી પાસે ૧૮ જેટલી ગાયો છે જે તેમણે શહેરમાં રખડતી-બીમાર અને તરછોડાયેલી હાલતમાંથી લાવીને એની બનતી દરેક પ્રકારની સેવા કરીને તેની પ્રેમથી સાચવણી કરે છે.

વાત છે વર્ષ ૨૦૦૬ થી વડોદરામાં સ્થાયી થયેલા અને મૂળે ઉત્તર પ્રદેશના વતની એવા મનોજસિંઘ યાદવની અને તેમનાં પત્ની મૂળે ગુજરાતી. મનોજસિંઘ યાદવ પહેલેથી દેશી ગાયનું દૂધ નિયમિતપણે સેવન કરતા હતા. વડોદરામાં સ્થાયી થયા બાદ તેમણે દેશી ગાયનું દૂધ મેળવવા ઘણા પ્રયત્નો કર્યા

પરંતુ તેઓને શહેરમાં તરછોડાયેલી હાલતમાં રખડતી-બીમાર ગાયો જાેવા મળી તેથી તેમણે બન્નેએ મળીને બિમાર અને તરછોડાયેલી ગાયોની સાચવણી કરીને તેની સેવા કરવાનું નક્કી કર્યું.

વર્ષ ૨૦૧૭ થી મનોજસિંઘ યાદવ અને એમના પત્ની શ્રુતિ સિંઘે બીમાર અને તરછોડાયેલી ગાયો લાવીને તેની સારવાર સહિત તમામ ખર્ચ કરી તેમની સેવા કરવાનું શરૂ કર્યું. અત્યારે આ દંપતી પાસે તબેલામાં ધીમે-ધીમે ૧૮ જેટલી ગાયો થઇ ગઇ છે. આ ગાયો અમારો પરિવાર છે

અમે ગાયોના ખર્ચને પહોંચી વળવા શહેરની બહાર પડેલી બિનફળદ્રુપ જમીન ભાડે લઇને તેમાં ગાયો માટેના ચારાની વ્યવસ્થા કરી અને ખાતર તરીકે ગાયનાં જ છાણ-મૂત્રનો જ કુદરતી ખાતર તરીકે ઉપયોગ કર્યો તેમજ ગાયના દૂધમાંથી ઘી અને મીઠાઇઓ બનાવીને વેચી એમ શ્રુતિ સિંઘે જણાવ્યું હતું.

છેલ્લાં ૩ વર્ષથી ગણેશ ચતુર્થી નિમિતે અમે પોતે જ ગાયના છાણ, ગૌમૂત્ર, ઘી, માટી અને દહીં વડે પંચગવ્ય ગણપતિ બનાવીએ છીએ. શરૂઆતમાં અમે ૩૦ ગણપતિ બનાવ્યા, બીજા વર્ષે ૫૦ અને આ વર્ષે અમે ૧૦૦ ગણપતિની મૂર્તિ બનાવીને ઇકોફ્રેન્ડલીના ઉપયોગ માટેનો સમાજને સંદેશો આપીએ છીએ.

ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી તેમજ તેના છાણ-ગૌમૂત્ર કુદરતી ખેતી માટે મહત્વનો ભાગ ભજવે છે એમ મનોજસિંઘ યાદવે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.