Western Times News

Gujarati News

આર્મી ડોગે બલિદાન આપીને હેન્ડલરને બચાવ્યો; કાશ્મીરમાં કર્નલ સહિત ૩ જવાન શહીદ

રાજૌરી અને અનંતનાગમાં એન્કાઉન્ટર –બે આતંકી ઠાર

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદીઓના સફાયા માટે ભારતીય લશ્કર દ્વારા ઓપરેશન ઓલ આઉટ શરૂ કરાયું છે. જેનાં પરિણામે અનેક કુખ્યાત આતંકવાદીઓ ઠાર મરાયા છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે અથડામણ ચાલી હતી. બુધવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જ્યારે તેઓ સર્ચ-ઓપરેશન ચલાવી રહ્યા હતા, જેમાં કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા હતા. એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.

બીજી તરફ, રાજૌરીમાં સોમવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં બે આતંકવાદી માર્યા ગયા છે. એક જવાન અને એક એસપીઓ શહીદ થયા છે. આ ઓપરેશનમાં સેનાનો એક શ્વાન પણ શહીદ થયો છે. પોતાના હેન્ડલરનો જીવ બચાવવા તેણે પોતાનો જીવ આપ્યો છે. ડોગનું નામ કેન્ટ હતું.

સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે સામ-સામે ફાયરિંગમાં શહીદ થયેલા આર્મી-ડોગનું નામ કેન્ટ હતું. એણે આતંકવાદીઓ સાથેના ફાયરિંગ દરમિયાન તેના હેન્ડલરને બચાવ્યો અને એ પોતે શહીદ થયો છે. આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે એ ભાગી રહેલા આતંકવાદીઓને શોધવા જવાનોના એક યુનિટનું નેતૃત્વ કરી રહ્યો હતો.

આ દરમિયાન એ ગોળીબારમાં શહીદ થયો હતો. એડીજી મુકેશ સિંહે કહ્યું હતું કે ખરાબ હવામાન હોવા છતાં સુરક્ષા દળોએ આખી રાત રાજૌરી શહેરથી ૭૫ કિમી દૂર વિસ્તારને ઘેરી લીધો હતો અને સવારે આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ શરૂ કરી હતી.

સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે ૧૧ સપ્ટેમ્બરની સાંજે પતરાડાના જંગલ વિસ્તારમાં સર્ચ અને કોર્ડન-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બે વ્યક્તિની શંકાસ્પદ પ્રવૃત્તિને જાેતાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જાેકે બંને આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા.

૬ ઑગસ્ટે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં એલઓસી પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ એલઓસી પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. એ જ દિવસે સાંજે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા અન્ય એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.

૪ ઑગસ્ટે આતંકવાદીઓએ કુલગામના હાલાન જંગલમાં સેનાના તંબુ પર ફાયરિંગ કર્યું હતું. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો, જે મોડી રાત સુધી ચાલુ રહ્યો. આ ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. ત્રણેયને શ્રીનગરની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોડી રાત્રે ત્રણેય શહીદ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.