Western Times News

Gujarati News

માતૃભાષા-ગુજરાતીની સમાંતર વિશ્વભાષા-અંગ્રેજીમાં યુવાનોને સજ્જ કરવાનું અભિયાન

SCOPEના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ ૬,૩૪,૮૦૯ વિદ્યાર્થીઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત સર્ટિફિકેટ મેળવી, રોજગારીની તકો પ્રાપ્ત કરી

SCOPE દ્વારા કુલ ૨૬,૯૧૭ વેબિનાર-સેમિનાર અને ૩૯૦૦ જેટલી વર્કશોપ યોજાઈ, ૭૦ જેટલી ઈ-ક્વિઝમાં કુલ ૬,૨૪,૩૭૧ ઉમેદવારોએ ભાગ લીધો

રાજ્ય સરકાર દ્વારા કેમ્બ્રિજ ટેસ્ટ માટે ૫૫ થી ૬૦ ટકા, જ્યારે બ્રિટિશ કાઉન્સિલની પરીક્ષા માટે ૮૭ ટકા જેટલી પરીક્ષા ફીમાં રાહત આપવામાં આવે છે

આજે વૈશ્વિક સ્તરે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમજ ભારતના બુદ્ધિધનની બોલબાલા છે, ત્યારે વૈશ્વિક આચાર, વિચાર અને વ્યવહારમાં સ્વીકારાયેલી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પણ જરૂરી છે. રાજ્યના વર્ષ-૨૦૨૩-૨૪ના બજેટમાં પાંચ સ્તંભ આધારિત વિકાસની વાત કરવામાં આવી છે.

જેના બીજા સ્તંભમાં માનવસંસાધન વિકાસનો સમાવેશ કરાયો છે, ત્યારે ગુજરાતના યુવાનોમાં અંગ્રેજી ભાષાનો અભાવ ન રહે તે માટે દીર્ઘદૃષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રહેતા વર્ષ ૨૦૦૭માં સ્કોપ-SCOPE (Society for Creation of Opportunities through Proficiency in English) સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

ગુજરાતના યુવાનોમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જ્વળ તકો પ્રાપ્ત થાય તે માટે ગુજરાતના યુવાનોમાં માતૃભાષા ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષામાં ભણતરની સાથે ગણતર પ્રદાન કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવાનું કાર્ય સ્કોપ-SCOPE દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ માટે SCOPE દ્વારા અંગ્રેજી ભાષાશિક્ષણ આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન, તેમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ સાથે જોડાઈને રાજ્યમાં અંગ્રેજી ભાષાશિક્ષણના અમલ અને સંવર્ધન માટે તાલીમ, સેમિનાર, વર્કશોપ વગેરેનું આયોજન તથા ઈ-લર્નિંગ માધ્યમોને પ્રોત્સાહન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગુજરાતના યુવાનો અંગ્રેજી ભાષામાં બોલવાનું, લખવાનું તથા સાંભળવાનું કૌશલ્ય વિકસાવી શકે તે માટે SCOPE દ્વારા રેપિડ ઈંગ્લિશ સ્પીકિંગ કોર્સ, બાયસેગના માધ્યમથી વર્કશોપ, વેબિનાર, સેમિનાર, ઈ-ક્વિઝ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ અધ્યાપકો તથા શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવે છે.

એટલું જ નહીં, વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ ઉપરાંત, ટેક્નોલૉજીનું મહત્ત્વ, લેખન કૌશલ્ય, વ્યાવસાયિક સજ્જતા, ટાઇમ મેનેજમેન્ટ સહિતની પ્રવૃત્તિઓની સાથે વ્યાકરણ, ભારતીય સંસ્કૃતિ, સામાન્ય જ્ઞાન, સાંપ્રત પ્રવાહો વિશે મહિનામાં ત્રણ વખત ઈ-ક્વિઝનું આયોજન પણ કરવામાં આવે છે.

આ પ્રકારે SCOPE દ્વારા અત્યાર સુધીમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં કુલ ૧,૩૧,૪૦૦ લાભાર્થીઓએ અંગ્રેજી સશક્તીકરણની તાલીમ મેળવી છે, જ્યારે કુલ ૨૬,૯૧૭ જેટલા વેબિનાર અને સેમિનાર તથા ૩૯૦૦ જેટલી વર્કશોપ યોજાઈ છે. આ સિવાય, ૮૨૩ જેટલી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી છે તેમજ ઓનલાઇન યોજાયેલી ૭૦ જેટલી ઈ-ક્વિઝમાં કુલ ૬,૨૪,૩૭૧ ઉમેદવારોએ ભાગ લીધો છે.

આ ઉપરાંત, સ્કોપ દ્વારા ઉમેદવારોના પ્લેસમેન્ટ માટે Cambridge English Placement Test (CEPT) તેમજ Linguaskill Business Exam એવી બે આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા SCOPE દ્વારા ડિબેટ, વકતૃત્વ અને નિબંધ સ્પર્ધા, ગ્રૂપ ડિસ્કશન્સ વગેરે યોજવામાં આવે છે. જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકે અને અંગ્રેજી ભાષાનો ડર દૂર થઈ શકે. આવી સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, CEPT તેમજ Linguaskill Business પરીક્ષાઓ ૧૩૦ જેટલા દેશોમાં માન્ય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. જે કોમન યુરોપિયન ફ્રેમવર્ક (CEFR) પર આધારિત છે અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓમાં એડમિશન માટે પણ સહાયરૂપ થાય છે. આ પ્રકારે વર્ષ-૨૦૦૭થી અત્યાર સુધીમાં કુલ ૬,૩૪,૮૦૯ વિદ્યાર્થીઓએ આ સર્ટિફિકેટ મેળવ્યાં છે, જે તેમને રોજગાર અને કારકિર્દીના વિવિધ તબક્કે ઉપયોગી બન્યા છે.

SCOPE દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨, તમિલ સંગમમ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિતના વિવિધ આયોજનોમાં પણ ભાગ લઈ, યુવાનોને વૈશ્વિકસ્તરે અંગ્રેજીના મહત્ત્વ અંગે જાગૃત કરવામાં આવે છે. સંસ્થાની વિવિધ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને ૮૩મા SKOCH એજ્યુકેશન સમિટ એવોર્ડ્સ, ૨૦૨૨માં ગોલ્ડ કેટેગરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વધુમાં, SCOPE અને બ્રિટિશ કાઉન્સિલ વચ્ચે એગ્રિમેન્ટ પણ સાઇન કરવામાં આવ્યાં છે. જેના લીધે હવે બ્રિટિશ કાઉન્સિલના કુશળ તજ્જ્ઞોની ઓનલાઇન તાલીમ તેમજ તેના આધારે લેવાતી પરીક્ષાઓનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને તથા આમ જનતાને મળશે. વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં ૨૦,૦૦,૦૦૦થી વધુ લોકો આ તાલીમ મેળવે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. જે ૧૫૦થી વધુ દેશોની ૨૫૦થી વધુ યુનિવર્સિટીઓમાં માન્ય છે.

 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ૨૦૦૭થી કાર્યરત્ SCOPE એક એવું મોડલ છે, જે યુવાનોને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અપાવવાની સાથે રોજગારીની ઉજ્જવળ તકો અપાવવા માટે પ્રયત્નશીલ છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા SCOPEના માધ્યમથી લેવામાં આવતી બંને આંતરરાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ –કેમ્બ્રિજ ટેસ્ટ માટે ૫૫ થી ૬૦ ટકા જેટલી રાહત, જ્યારે બ્રિટિશ કાઉન્સિલની પરીક્ષા માટે ૮૭ ટકા જેટલી રાહત પરીક્ષા ફીમાં આપવામાં આવે છે. આ પરીક્ષાનાં પ્રમાણપત્રો વિશ્વનાં ગણનાપાત્ર વિશ્વવિદ્યાલયોમાં પણ માન્યતાપ્રાપ્ત હોઈ, રાજ્યના યુવાનો તેમજ અન્ય નાગરિકોને લાભ લેવા માટે SCOPE દ્વારા અનુરોધ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers