Western Times News

Gujarati News

વર્લ્ડ બામ્બૂ ડેઃ 3 વર્ષોમાં વાંસની ખેતી કરતા ખેડૂતની સંખ્યા થઈ બમણી થઈ

18 સપ્ટેમ્બર: ‘વિશ્વ વાંસ દિવસ’ (વર્લ્ડ બામ્બૂ ડે)-નેશનલ બામ્બૂ મિશન હેઠળ ગુજરાતમાં વર્ષ 2020-21માં 306 ખેડૂત લાભાર્થીઓની સંખ્યા વધીને વર્ષ 2022-23માં 646 થઈ

નેશનલ બામ્બૂ મિશન હેઠળ હાઈ ડેન્સિટી વાવેતર (HDB) મોડલ અને બ્લોક વાવેતર (BP) મોડલ થી વાવેતર કરવામાં આવે છે

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2019-20માં નેશનલ બામ્બૂ મિશન (NBM) ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વાંસની ખેતી કરતા ખેડૂતોને નાણાકીય સહાય અને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતમાં આ મિશનને પૂરી પ્રતિબદ્ધતાથી લાગુ કરવામાં આવ્યું છે,

અને છેલ્લા ત્રણ વર્ષોમાં નેશનલ બામ્બૂ મિશન યોજના હેઠળ ગુજરાતમાં વાંસની ખેતી કરતા ખેડૂતો લાભાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. યોજના શરૂ થયા પછી વર્ષ 2020-21માં આ યોજના હેઠળ 306 લાભાર્થીઓ લાભ મેળવતા હતા, જેમની સંખ્યા આજે વર્ષ 2022-23માં બમણી થઈ છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે ઉત્તરોત્તર વિકાસ સાધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં વાંસની ખેતીને પણ સંપૂર્ણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વાંસ એ અત્યંત ઉપયોગી વૃક્ષ છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં ઘર અને મકાનોની મજબૂતી માટે કરવામાં આવતો હતો. આજે  21મી સદીમાં પણ વાંસનો ઉપયોગ લગ્ન મંડપ, સંગીતના સાધનો, ઘર સજાવટની કિમતી વસ્તુઓ વગેરે માટે કરવામાં આવે છે.

વાંસમાંથી આયુર્વેદિક ઔષધિઓ અને દવાઓ પણ બનાવવામાં આવે છે, તેમજ તેમાંથી બનતી ખાદ્ય વાનગીઓ પણ અત્યંત લોકપ્રિય છે. આવા વાંસના વૃક્ષોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ બામ્બૂ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘વિશ્વ વાંસ દિવસ’ (વર્લ્ડ બામ્બૂ ડે) ની ઉજવણી કરવામાં આવે છે.

ગુજરાતમાં વાંસના વાવેતર વિસ્તારમાં થયો વધારો:

નેશનલ બામ્બૂ મિશન યોજના વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતા ગુજરાતના સામાજિક વનીકરણ વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. એ. પી. સિંહ (IFS) જણાવે છે કે નેશનલ બામ્બૂ મિશન યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષોમાં લાભાર્થીઓની સંખ્યા બમણી થઈ છે અને વાવેતર વિસ્તારમાં પણ વધારો થયો છે.

વર્ષ 2020-21માં રાજ્યમાં વાંસનો વાવેતર વિસ્તાર 897 હેક્ટર હતો અને 306 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. આજે વર્ષ 2022-23માં વાંસનો વાવેતર વિસ્તાર 1226 હેક્ટર થયો છે, તથા લાભાર્થીઓની સંખ્યા વધીને 646 થઈ છે. તેઓએ કહ્યું કે ખેડૂતોને વાંસના વાવેતર અને સ્વસહાય જૂથો માટે પ્રોત્સાહિત કરવા આ યોજના લાવવામાં આવી છે, જેથી વધુ ને વધુ ખેડૂતો ઓછા ખર્ચે તેમાં જોડાઈ શકે અને તેમની આવકમાં વધારો કરી શકે.

NBM હેઠળ હાઈ ડેન્સિટી વાવેતર (HDB) મોડલ અને બ્લોક વાવેતર (BP) મોડલથી થાય છે વાવેતર:

નેશનલ બામ્બૂ મિશન (NBM) હેઠળ હાઈ ડેન્સિટી વાવેતર (HDB) મોડલ અને બ્લોક વાવેતર (BP) મોડલથી વાંસનું વાવેતર કરવામાં આવે છે અને વાંસની ખેતી કરતા ખેડૂતોને છોડ દીઠ ત્રણ વર્ષ માટે ₹120 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. હાઈ ડેન્સિટી વાવેતર (HDB) મોડલ અને બ્લોક વાવેતર (BP) મોડલથી વાવેતર કરવા માટે ખેડૂતને પ્રથમ વર્ષમાં ₹60, બીજા વર્ષમાં ₹36 અને ત્રીજા વર્ષમાં ₹24 એમ થઈને ત્રણ વર્ષમાં કુલ ₹120 ની નાણાકીય સહાય આપવામાં આવે છે.

11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી વાંસની ખેતી અને પ્રોડક્ટ્સ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન

ડૉ. એ.પી. સિંહે વધુમાં જણાવ્યુ કે, તારીખ 11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં રાજ્ય કક્ષાએ વાંસની ખેતી અને વાંસમાંથી બનતી પ્રોડક્ટ્સ માટે એક અઠવાડિયાના ટ્રેનિંગ પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં KVK ખેડૂતો, NGOs, વન વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાંસ કલાના કારીગરો ભાગ લઈ રહ્યા છે.  આ વર્કશોપમાં નિષ્ણાંતો દ્વારા વાંસના સફળ વાવેતર અને ઉછેર માટે લેક્ચરનું આયોજન તથા વાંસવણાટ, હેન્ડીક્રાફ્ટ, આર્કિટેક્ચરલ ટ્રેનિંગ, વાંસમાંથી બનતી ખાદ્ય સામગ્રી બનાવવાની ટ્રેનિંગ અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વાંસ ક્ષેત્ર:

વાંસની નોંધાયેલ ઘણી પ્રજાતિઓમાંથી માત્ર બે પ્રજાતિઓ ડેન્ડ્રોકેલેમસ સ્ટ્રિક્ટસ (માનવેલ) અને બામ્બુસા અરુન્ડીનેસિયા (કાટસ) ગુજરાતમાં ઔદ્યોગિક રીતે સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓ છે, જે કુદરતી રીતે જંગલોમાં જોવા મળે છે. રાજ્યના 15 જિલ્લાઓમાં વાંસ જોવા મળે છે

અને તે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ફેલાયેલા છે. રાજ્યમાં વાંસનો કુલ વિસ્તાર 3547 ચોરસ કિલોમીટર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નર્મદા, ડાંગ અને દક્ષિણ ગુજરાતના તાપી, સુરત અને વલસાડ જિલ્લાઓમાં વાંસના વનો આવેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers