Western Times News

Gujarati News

રાજ્યના સાત જિલ્લાઓમાંથી અંદાજે ૧૧,૮૦૦થી વધુનું સલામત સ્થળાંતર  

SEOC – ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.

અધિક મુખ્ય સચિવશ્રીએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારમાં જનજીવન જલ્દીથી પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનો કરીને રાજ્ય સરકાર દ્વારા તમામ મદદની ખાતરી આપી હતી.

૨૭૪ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું- રાહત કમિશનર શ્રી આલોક પાંડે

રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ વિગતો આપતા કહ્યું હતું કે SEOCના સંકલનમાં રહીને નર્મદા, ભરૂચ, દાહોદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને ગાંધીનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર, NDRF,SDRF, વાયુસેના અને કોસ્ટ ગાર્ડની મદદથી અંદાજે ૧૧,૮૦૦થી વધુ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરીને તેમને  શેલ્ટર હોમમાં આશરો આપીને ફૂડ પેકેટ સહિત જરૂરી તમામ વ્યવસ્થા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે .  જ્યારે ૨૭૪ જેટલા નાગરિકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત કરાયેલા આ સિવાય બાકી રહેલા નાગરિકોની તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરવાની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.  સ્થાનિક વહિવટી તંત્રની સતર્કતાના કારણે વરસાદથી એક પણ મૃત્યુ થયું નથી.

રાહત કમિશનરશ્રીએ કહ્યું હતું કે, સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદના કારણે ડેમમાં અંદાજે ૧૮ લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી જે હવે ઘટીને ૫ લાખ ક્યુસેક થઈ છે, જેના પરિણામે નિચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે.વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વાયુદળના હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, વડોદરા, અરવલ્લી, દાહોદ અને જૂનાગઢમાં NDRF- SDRFની કુલ ૧૦-૧૦ ટીમો તહેનાત છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRFની પાંચ તેમજ SDRFની ૧૩ ટીમ વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે તેમ,  તેમણે ઉમેર્યું હતું.

આ બેઠકમાં રાહત નિયામક શ્રી સી.સી. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.