મંદિરે દર્શન કરવા યુવતિ ઉતરી અને પાછી આવી રીક્ષાચાલકને પ્રસાદ ખવડાવી લૂંટી લીધો
યુવતીએ નશીલો પ્રસાદ ખવડાવી રિક્ષાચાલકને લૂંટી લીધો
અમદાવાદ, ટ્રેનથી અમદાવાદ આવી પહોંચેલી અજાણી યુવતીએ રિક્ષાચાલકને નશીલો પ્રસાદ ખવડાવીને લૂંટી લેતાં ચકચાર મચી ગઇ છે. યુવતી મણિનગર રેલવે સ્ટેશનથી એક વૃદ્ધની રિક્ષામાં બેઠી હતી અને બાદમાં રખિયાલમાં આવેલાં મેલડી માતા તેમજ અંબા માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગઇ હતી.
દર્શન કરી લીધા બાદ યુવતીએ રિક્ષાચાલકને પેંડાનો પ્રસાદ આપ્યો હતો. જે ખાધા બાદ રિક્ષાચાલક થોડા સમયમાં બેભાન થઇ ગયો હતો. યુવતીના આ ખતરનાક કારનામાનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે રિક્ષાચાલકને ચાર દિવસ પછી હોસ્પિટલમાં ભાન આવ્યું. મોં પર દુપટ્ટો બાંધીને યુવતીએ રિક્ષાચાલકને લૂંટવાનું આખું ઓપરેશન પાર પાડ્યું છે.
કાગડાપીઠ વિસ્તારમાં આવેલા રત્નદીપનગરમાં રહેતા વૃદ્ધ શિવનારાયણ યાદવે મણિનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. શિવનારાયણ યાદવ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં શિવનારાયણ મણિનગર રેલવે સ્ટેશન બહાર રિક્ષા લઇને પેસેન્જરની રાહ જાેઇ રહ્યા હતા,
ત્યારે સાંજના છ વાગ્યાની આસપાસ એક યુવતી મોં પર દુપટ્ટો બાંધીને આવી હતી. યુવતીએ રખિયાલ જવાનું કહેતાં શિવનારાયણ યાદવે તેને રિક્ષામાં બેસાડી દીધી હતી. યુવતીએ રિક્ષામાં બેસી શિવનારાયણ યાદવને જણાવ્યું કે મારે મેલડી માતાનાં તેમજ અંબા માતાનાં મંદિરે દર્શન કરવા માટે જવું છે. એકાએક બેભાન થઇ ગયા.
યુવતી દર્શન કરીને આવી ત્યારે તેના હાથમાં પ્રસાદનો ડબો હતો અને રિક્ષામાં બેસી ગઇ હતી. યુવતીએ શિવનારાયણ યાદવને નાના ચિલોડા જવાનું કહ્યું હતું. યુવતીએ પેંડાનો પ્રસાદ શિવનારાયણ યાદવને આપ્યો હતો. જે તેમણે ખાઇ લીધા બાદ નાના ચિલોડા રિક્ષા લઇ ગયા હતા.
નાના ચિલોડા પહોચતાં શિવનારાયણ યાદવને ચક્કર આવવાં લાગ્યાં હતાં અને એકાએક તેઓ બેભાન થઇ ગયા હતા. શિવનારાયણ ભાનમાં આવ્યા ત્યારે તેમની સામે પત્ની કંચનબેન અને પુત્ર હતાં અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
બેભાન થયાના ત્રીજા દિવસે શિવનારાયણ યાદવને ભાન આવ્યું ત્યારે તેમણે પત્ની કંચનબેનને પૂછ્યું હતું કે ‘મારી સાથે શું થયું હતું.’કંચનબેને જવાબ આપ્યો કે બીજા દિવસે બે અજાણ્યા શખ્સો તેમને ઘરે મૂકવા આવ્યા હતા અને ત્યાર બાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે દિવસ બાદ શિવનારાયણ યાદવને ભાન આવ્યું હતું. શિવનારાયણને ઘરે મૂકવા માટે બે શખ્સ આવ્યા ત્યારે તેમના હાથમાંથી મોબાઇલ ફોન તેમજ વીંટી ગાયબ હતાં. યુવતીએ નશીલો પ્રસાદ ખવડાવીને શિવનારાયણ યાદવને બેભાન કરી દીધા હતા અને બાદમાં તેમની પાસેથી સોનાની વીંટી અને મોબાઇલ ફોન તેમજ રોકડની ચોરી કરીને જતી રહી હતી.
હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપતાંની સાથે જ શિવનારાયણ યાદવે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.મણિનગર રેલવે સ્ટેશનથી યુવતી બહાર આવી હતી ત્યારે તેનાં મોં પર દુપટ્ટો બાંધ્યો હતો. જેથી તેની ઓળખ થવી મુશ્કેલ છે.
આ સિવાય શિવનારાયણ યાદવના પુત્ર વિજય યાદવે પણ જણાવ્યું છે કે જ્યારે તે નાના ચિલોડા સુધી પહોંચી ત્યારે તેણે દુપટ્ટો કાઢ્યો નહોતો. શિવનારાયણ બેભાન થયા ત્યારે તે લૂંટીને જતી રહી છે. મણિનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે યુવતી સુધી પહોંચવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.
મણિનગર રેલવે સ્ટેશનની અંદરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાનાં પોલીસે શરૂ કરી દીધા છે. ૧૩ તારીખના રોજ સાંજે શિવનારાયણે નશીલો પ્રસાદ ખાધો હતો બાદમાં તે બેભાન થઇ ગયા હતા. બીજા દિવસે શિવનારાયણને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે પણ તે બેભાન હતા. સતત સારવાર બાદ તારીખ ૧૬ના રોજ તેમને ભાન આવ્યું હતું. ચાર દિવસ સુધી બેભાન રહ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા હતા અને ટ્રીટમેન્ટ લીધા બાદ તેમણે ફરિયાદ કરી છે.