Western Times News

Gujarati News

બોમ્બે મેરી જાનઃ પ્રામાણિક પોલીસ પિતા અને ગુનાહના રસ્તે ચઢેલા પુત્રની કહાની

અવિનાશ તિવારીએ દારાના પુત્રને ખુબ જ સરસ રીતે રજૂ કર્યુ છે. -‘બોમ્બે મેરી જાન’ એક કાલ્પનિક અપરાધ શ્રેણી છે, જે આપણને આઝાદી પછી બોમ્બેમાં લઈ જાય છે. 

નવી દિલ્હી, કૃતિકા કામરા અને અવિનાશ તિવારીની વેબ સિરીઝ ‘બોમ્બે મેરી જાન’ રિલીઝ થઈ ગઈ છે. 1970ના દાયકામાં બોમ્બેમાં વધી રહેલા માફિયા શાસન પર આધારિત આ શ્રેણી તેના ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. હવે ‘બોમ્બે મેરી જાન’નું ભવ્ય પ્રીમિયર લંડનમાં કરવામાં આવ્યું હતું.

ઈવેન્ટમાંથી કૃતિકા કામરા અને અવિનાશ તિવારીનો વીડિયો સામે આવ્યો છે. ‘બોમ્બે મેરી જાન’ થોડા કલાકોમાં OTT પર સ્ટ્રીમ થઈ ગઈ હતી. આ પહેલા સિરીઝની ટીમે લંડનમાં આયોજિત ‘બોમ્બે મેરી જાન’ના સ્ક્રીનિંગમાં ભાગ લીધો હતો. જ્યાં અનેક ફિલ્મમેકર્સ અને સેલેબ્સે ભાગ લીધો હતો.

ફરહાન અખ્તરે પણ કૃતિકા કામરા અને અવિનાશ તિવારી સાથે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ સિવાય રિતેશ સિધવાની, કાસિમ જગમગિયા, શુજાત સૌદાગર અને રેન્સિલ ડી’સિલ્વા પણ ‘બોમ્બે મેરી જાન’ પ્રીમિયરમાં જોવા મળ્યા હતા.

‘બોમ્બે મેરી જાન’ એક કાલ્પનિક અપરાધ શ્રેણી છે, જે આપણને આઝાદી પછી બોમ્બેમાં લઈ જાય છે. શ્રેણીની વાર્તા એક પ્રામાણિક પોલીસ પિતા (ઈસ્માઈલ કાદરી) અને તેના પુત્ર (દારા) ની આસપાસ ફરે છે. ભૂખ અને ગરીબીથી પરેશાન પુત્ર ગુનાની દુનિયામાં પ્રવેશે છે ત્યારે તેમનો પરિવાર તૂટી જાય છે. ‘બોમ્બે મેરી જાન’ એક પ્રામાણિક પિતા અને ગુનેગાર પુત્ર વચ્ચેની લડાઈ સાથે આગળ વધે છે.

1970ની સાલમાં હાજી સુલેમાન, અન્ના અને પઠાણનું સામ્રાજ્ય હતું. દારા પોલિસ પિતાનો પુત્ર હોવા છતાં ગરીબીની મજબૂરી હાજીની ગેંગમાં જોડાય છે અને ત્યારબાદ આખા મુંબઈ શહેર પર રાજ કરવાનું સપનું પુરું કરવાં ગુનાહના રસ્તા પર ચાલી નીકળે છે. ત્યારબાદ ગેંગસ્ટરો વચ્ચેની આંતરીક લડાઈમાં દારા આગળ નીકળે છે અને દુબઈ પહોંચી સોનાની દાણચોરીનો માર્ગ અપનાવે છે. દુબઈના શેખો સાથેની તેની સાંઠગાંઠથી મુંબઈમાં સોનાની દાણચોરી કરવા નીતનવા પેંતરા અજમાવે છે.

‘બોમ્બે મેરી જાન’માં અવિનાશ તિવારી અને કૃતિકા કામરાની સાથે કેકે મેનન, નિવેદિતા ભટ્ટાચાર્ય અને અમાયરા દસ્તુર પણ મહત્વની ભૂમિકામાં છે. શ્રેણીમાં અવિનાશ તિવારી દારા કાદરીની ભૂમિકા ભજવી રહ્યો છે અને કૃતિકા કામરા તેની નાની બહેન હબીબાની ભૂમિકા ભજવી રહી છે. જ્યારે કેકે મેનન તેના પિતા ઈસ્માઈલ કાદરીની ભૂમિકા ભજવી રહ્યા છે.

‘બોમ્બે મેરી જાન’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ સિરીઝનું ગ્લોબલ પ્રીમિયર 14 સપ્ટેમ્બરે થયું હતું. ‘બોમ્બે મેરી જાન’નું નિર્દેશન શુજાત સૌદાગરે કર્યું છે. જ્યારે એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના રિતેશ સિધવાણી, કાસિમ જગમગિયા અને ફરહાન અખ્તરે આ સિરીઝનું નિર્માણ કર્યું છે. ‘બોમ્બે મેરી જાન’ની વાર્તા હુસૈન ઝૈદી દ્વારા તૈયાર કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.