અંબાજી મહામેળામાં યાત્રિકોને શિરો, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજન
અંબાજી ખાતે કલેકટરશ્રીએ દિવાળી બા ભોજનાલયની મુલાકાત લઈ યાત્રિકોને ભોજન પીરસ્યું
(માહિતી બ્યુરો, પાલનપુર) શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો આજથી શાનદાર પ્રારંભ થયો છે ત્યારે સેવા કેમ્પના આયોજકો દ્વારા ચા, પાણી, નાસ્તો અને ભોજન સહિતના સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.
દિવાળી બા ભોજનાલય ખાતે પાટણના સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પની મુલાકાત લઈ કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષકશ્રી તેજસ પટેલ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના ઉપસ્થિત અધિકારીઓએ યાત્રિકોને શિરો, ખમણ, શાક-રોટલી, દાળ-ભાતનું ભોજન પીરસી આ સેવા કેમ્પની સેવાઓની જાણકારી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા અંબાજીના મેળામાં છેલ્લા 16 વર્ષથી સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. આ સેવા કેમ્પના ખમણને યાત્રિકો ખુબ વખાણે છે અને તેનો લાભ પણ મેળવે છે. કલેકટરશ્રીએ દિવાળી બા ભવન ખાતે ભોજન બનાવવાના વપરાતા સીધા-સામાન તથા ઓટોમેટિક રોટલી મશીન અને યાત્રિકોને અપાતી સુવિધાની માહિતી મેળવી હતી.