Western Times News

Gujarati News

ટ્રૂડોની ઝાટકણી કાઢતા શ્રીલંકાએ કહ્યું આતંકીઓ માટે સેફ હેવન છે કેનેડા

કોલંબો, ભારત વિરુદ્ધ પુરાવા વગર આરોપ લગાવનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો હવે ચારેકોરથી ઘેરાતા જાેવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે શ્રીલંકાએ ભારતનું સમર્થન કર્યું છે અને ટ્રૂડો પર આકરા પ્રહાર કર્યા છે. શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબરીએ કહ્યું કે ‘કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત ઠેકાણું મળી ગયું છે. કેનેડિયન પ્રધાનમંત્રી પાસે કોઈ પુરાવા વગર કઈ પણ અપમાનજનક આરોપ લગાવવાનો આ જ ઉપાય છે.

આ વાત તેમણે શ્રીલંકા માટે પણ કરી, એવું કહેવું કે શ્રીલંકામાં નરસંહાર થયો હતો તે એક ભયાનક, હળાહળ જુઠ્ઠાણું હતું. બધા જાણે છે કે અમારા દેશમાં કોઈ નરસંહાર થયો નથી.’

સાબરીએ કહ્યું કે મે કાલે જાેયુ કે તેમણે (ટ્રૂડો) બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓ સાથે જાેડાયેલા કોઈ વ્યક્તિનું જાેરદાર સ્વાગત કર્યું હતું. આથી એ શંકાસ્પદ છે અને અમે ભૂતકાળમાં એ ભોગવી ચૂક્યા છીએ. મને એ વાતનું કોઈ આશ્ચર્ય નથી, ક્યારેક ક્યારેક પીએમ ટ્રૂડો અપમાનજનક આરોપો સાથે સામે આવે છે.

આ અગાઉ ભારતમાં નિવર્તમાન શ્રીલંકન ઉચ્ચાયુક્ત મિલિન્ડા મોરાગોડાએ કહ્યું કે કેનેડાના આરોપો પર ભારતની પ્રતિક્રિયા ખુબ કડક અને સીધી રહી છે અને કોલંબો આ મામલે નવી દિલ્હીનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ભારતની પ્રતિક્રિયા મજબૂત અને સીધી રહી છે અને જ્યાં સુધી અમારો સવાલ ચે તો અમે આ મામલે ભારતનું સમર્થન કરીએ છીએ.

અત્રે જણાવવાનું કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો દ્વારા સોમવારે (૧૮ સપ્ટેમ્બર)ના રોજ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકાર સામેલ હોવાના આરોપ બાદ બંને દેશો વચ્ચે સંબંધ ખુબ તણાવપૂર્ણ બન્યા છે. ભારતે આ આરોપો પાયાવિહોણા અને પ્રેરિત ગણાવ્યા અને ફગાવી દીધા હતા.

આ મામલે કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને નિષ્કાસિત કર્યા જેના બદલામાં ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજનયિકને નિષ્કાસિત કર્યા. આ ઉપરાંત ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સર્વિસ પર રોક લગાવી દીધી.

નિજ્જર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક હતો અને તેના પર ૧૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. પશ્ચિમ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં એક ગુરુદ્વારાની બહાર અજાણ્યા હુમલાખોરોએ ૧૮ જૂનના રોજ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.