Western Times News

Gujarati News

દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની વસમી વિદાય

ભરૂચમાં ત્રણ કુત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું શ્રદ્ધાભર્યા માહોલમાં વિસર્જન -તંત્ર દ્વારા તરવૈયા,એમ્બ્યુલન્સ અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા   

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ શહેર જીલ્લામાં ભક્તજનોએ રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને દસ દિવસના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હ્રદયે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલદી આના ના નારાઓ સાથે વિદાય આપી હતી.

ભરૂચ નગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ કૃત્રિમ જળકુંડમાં ચુંનદા તરવૈયાના સથવારે  વિસર્જનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગણેશ ચતુર્થીના પાવન દિને પ્રથમ પૂજનીય ગણેશજીનું સ્થાપન કરી દસ દિવસ સુધી ગણેશ ભક્તિમાં લીન થઈ અનંત ચતુર્થીના દિવસે શ્રધ્ધાભર્યા માહોલમાં આવતા વર્ષે પુનઃ પધારવાના વચન સાથે રડતા હૈયે ભક્તોએ વિદાય આપી હતી. આ સમયે લાગણી સભર દર્શયો સર્જાયા હતા.

તો બીજી તરફ કોર્ટની ગાઈડલાઈન હેઠળ ગણેશ વિસર્જન માટે નર્મદા નદી કાંઠે નિલકંઠ મહાદેવ ઘાટ ગણેશ વિસર્જન માટે બંધ રાખવામાં આવ્યો હોય નગરપાલિકા દ્વારા ભરૂચના મકતમપુર બોરભાઠા, જે.બી.મોદી પાર્ક તેમજ ગાયત્રી મંદિર પાસે ત્રણ કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા  હતા.જ્યાં સવારથીજ ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી રહ્યા હતા.

કૃત્રિમ જળ કુંડ ખાતે તંત્ર દ્વારા  વિસર્જનની પ્રક્રિયા દરમ્યાન ભક્તજનોને અગવડ ના પડે તેમ જ કોઈ હોનારત ન સર્જાય તરવૈયાઓ,પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તહેનાત કરી દેવામાં આવી હતી.

કુત્રિમ કુંડ ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત અન્ય સભ્યો તેમજ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ભક્તો કુત્રિમ કુંડ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરવા અપીલ કરી વિસર્જન બાદની તંત્રની કામગીરી પણ વર્ણવી હતી.

તંત્રની કૃત્રિમ જળ કુંડમાં ગણેશ વિસર્જનની અપીલને ગણેશ ભક્તોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.તો બીજી તરફ વિસર્જન દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ૩૪૬૨ પોલીસ કાફલો,૨ SRP સહિતનો બંદોબસ્ત દિવસભર તહેનાત કરવા

સાથે ૩૦ કેમેરાથી વિડીયોગ્રાફી,૪૦૦ જેટલા બોડી વૉર્મ કેમેરા અને ૫ જેટલા ડ્રોનથી શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહી હતી.નર્મદા નદી કાંઠે પ્રતિમાનું વિસર્જન ન થાય તે માટે સવાર થી જ બંદોબસ્ત ગોઠવી ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.