Western Times News

Gujarati News

ઈન્કમટેક્સ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ ઈન્કમટેક્સ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અને સુતરની આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપતા સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

અમદાવાદ લો ગાર્ડન ખાતે ખાદી સરિતા કેન્દ્રમાં ખાદીની ખરીદી કરતા રાજય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા-ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ખાદીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે: સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા અમદાવાદ ઈન્કમટેક્સ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અને સુતરની  આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ત્યારબાદ મંત્રીશ્રીએ અમદાવાદ લો ગાર્ડન ખાતે ખાદી સરિતા કેન્દ્રમાં  ખાદીની ખરીદી કરી હતી. તેમણે લોકોને પણ ખાદી ખરીદવા માટેનો આહવાન કર્યું હતું. મંત્રીશ્રી સાથે અમદાવાદના મેયર, ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ ખાદીની ખરીદીમાં જોડાયા હતા.

મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ખાદીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મહાત્મા ગાંધીજીએ તે સમયે લોકો આત્મનિર્ભર થાય, મહિલાઓ સશકત થાય તે માટે ખાદીનો ઉપયોગ કરવા કહ્યું હતું. આજે ખાદીનું મહત્વ ગુજરાત રાજ્યમાં જ નહી સમગ્ર દેશ અને વિદેશમાં પણ ઘણું વધ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાદી ખરીદી પર વધુ ભાર મૂક્યો છે. આજે દેશભરમાં કરોડો રૂપિયાનું ખાદીનું ટર્નઓવર વધ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, સરકારના કુટીર ઉદ્યોગ દ્વારા ખાદી ખરીદીમાં વળતર પણ આપવામાં આવે છે.

જેથી ખાદી વણાટ સાથે જોડાયેલા લોકો તેમજ ગ્રાહકો તમામને ફાયદો થાય છે. આ કાર્યક્રમમાં અમદાવાદ ના મેયર પ્રતિભા બેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી તેમજ વિવિધ કાર્યકર્તાઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.