Western Times News

Gujarati News

ગુજરાતભરના ખેડૂતો માટે ૩,૭૯૫ કરોડની સહાયતા

અમદાવાદ: સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકાર દ્વારા રાજ્યમાં ચાલુ સિઝનમાં કમોસમી વરસાદને ધ્યાને લઇ, સમગ્ર રાજ્યના ૫૬.૩૬ લાખ ખેડૂતોને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય તેવી રૂપિયા ૩૭૯૫ કરોડની માતબર રકમની સહાય આપવામાં આવી છે. આ સહાયમાં રાજ્યના ૨૫૧ તાલુકામાંથી ૨૪૮ તાલુકાઓને સમાવી લેવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂપિયા ૨૧૫૪ કરોડની રકમ ખેડૂત ખાતેદારોને એસ.બી.આર.એફ.ના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવી છે જ્યારે ૧૬૪૧ કરોડની રકમ રાજ્યના બજેટમાંથી ફાળવવામાં આવી છે

આ માતબર પેકેજ બદલ રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી વિધાનસભાગૃહમાં પાક સહાય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિગતો આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૩૩ ટકાથી વધુ નુકસાન હોય તેવા ૪૨ તાલુકાના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૬,૮૦૦/- લેખે વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાઇ છે,

જ્યારે એક ઈંચથી ઓછો વરસાદ ધરાવતા તાલુકાઓમાં ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ રૂપિયા ૪,૦૦૦/- લેખે સહાય ચૂકવવામાં આવી છે. નર્મદા જિલ્લામાં તારીખઃ ૩૧.૧૦.૨૦૧૯ની સ્થિતિએ ભારે વરસાદના કારણે નુકસાન થયેલા કૃષિ પાકની સહાય પેટે ૨,૫૬૦ ખેડૂતોને કુલ રૂપિયા ૫૩.૯૨ કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં નાંદોદ તાલુકામાં ૧૬.૧૬ કરોડ, ગરુડેશ્વરમાં રૂપિયા ૭.૬૨ કરોડ, તિલકવાડામાં રૂપિયા ૯.૭૬ કરોડ, સાગબારામાં રૂપિયા ૮.૧૧ કરોડ અને ડેડીયાપાડામાં રૂપિયા ૧૨.૨૭ કરોડની પાક સહાય મંજૂર કરવામાં આવી હતી, તેમ વિધાનસભાગૃહમાં નર્મદા જિલ્લામાં વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર પેટે આપવામાં આવેલી સહાય અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્ય કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.