Western Times News

Gujarati News

મેનેજમેન્ટ ક્વોટાની બેઠકની મર્યાદા 25 ટકાથી વધારી ૫૦ ટકા કરાઈ

અમદાવાદ: નિર્ણાયક અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે હંમેશા રાજયના હજારો વિધાર્થીઓના હિતમાં અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે વિધાર્થીઓના હિતમાં રાજય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લઇને પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે, એમબીએ, એમસીએ, એન્જીનિયરીંગ, આર્કિટેક અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ કવોટાની હાલની રપ ટકા બેઠકોની મર્યાદા વધારીને પ૦ ટકા કરવામાં આવી છે. રાજયની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ખાનગી યુનિવર્સિટીઓ ત્રણ વર્ષના ફી-બ્લોકમાં હયાત ફીમાં એકવાર પાંચ ટકાની મર્યાદામાં વધારો કરવા માંગતા હોય તો આવી સંસ્થાઓ એફ.આર.સી. સમક્ષ ફી નિર્ધારણ માટે આવવાનું રહેશે નહિં.

આ ઉપરાંત ખાનગી સંસ્થાઓ – ખાનગી યુનિવર્સિટીઓ સામે ફરીયાદ બદલ પ્રવેશ ફી નિર્ધારણ અંગે હાલની કાયદાકીય જોગવાઇઓ અને તે અંગેના નિયમોમાં ભંગ બદલ હાલની ૨૦ લાખના દંડની જોગવાઇને વધારીને ૫૦ લાખ સુધી કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક-૨૦૧૯ રજૂ કરતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

મંત્રીએ આ સુધારા વિધેયક અંગે જણાવ્યું હતું કે, સરકારી અને અનુદાનિત સંસ્થાની તમામ એટલે કે ૧૦૦ ટકા બેઠકો સરકારી બેઠકો તરીકેની જોગવાઈ છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જ્યારે, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની સંખ્યા માટે હાલ ૨૫ ટકાથી જોગવાઈ વધારીને ૫૦ ટકા કરવામાં આવી છે. જેમાં, સ્વનિર્ભર સંસ્થાઓ/ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રથમવાર ૧૫% એનઆરઆઈ બેઠકો સહિત ઓલ ઈન્ડિયાનાં ધોરણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓનો અને વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં લાયકાત ધરાવતાં વિધાર્થીઓની સામે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા વધારે છે.

ડિગ્રી ઈજનેરીમાં અંદાજે ૭૩ હજાર બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે ગુજરાતમાં દર વર્ષે ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની એ-ગ્રુપની પરીક્ષામાં સરેરાશ ૪૦ હજાર વિદ્યાર્થીઓ પાસ થાય છે, આમ, કુલ બેઠકોનાં લગભગ ૫૦ ટકા બેઠકો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉથી જ ખાલી રહે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.