Western Times News

Gujarati News

છેલ્લા ૧૦ વર્ષમાં ૨ લાખ ૬૫ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી પૂરી પાડી છે : જાડેજા

લોકરક્ષક દળની ભરતીમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો ખાસ કિસ્સામાં ઐતિહાસિક નિર્ણય
ગુજરાત વિધાનસભા ખાતે છેલ્લા દિવસનો પ્રસ્તાવમાં વિગતો આપતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી પૂરી પાડવી એ અમારી પ્રાથમિકતા છે અને કાયમ માટે રહેશે જ. યુવાઓએ કોઇપણ જાતની ચિંતા કરવી નહીં અમે તેમની પડખે ઉભા જ છીએ. રાજ્ય સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં વિવિધ વિભાગો અને બોર્ડ કોર્પોરેશન મળી કુલ – ૨ લાખ ૬૫ હજારથી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડીને રોજગારી પૂરી પાડી છે. ત્યારે કોંગ્રેસે રોજગારીના મુદ્દે યુવાઓને ગેરમાર્ગે દોરવાની હરકત કરવી જોઇએ નહી.

આજે વિધાનસભાને રાજ્યમાં થતી સરકારી ભરતીઓમાં પારદર્શિતા લાવવા અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર બોલતા મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા ૨૫ વર્ષથી અમારી સરકારે સત્તાના સુત્રો સંભાળ્યા બાદ લાખો યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડી છે. ત્યારે કોંગ્રેસે રાજકીય રોટલા શેકીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. ભૂતકાળમાં કોંગ્રેસે સરકારી ભરતીમાં જે ૧૦ ટકાનો કાપ મૂક્યો હતો એ અમારી સરકારે દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો અને વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવામાં આવી રહી છે. સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજાય તે માટે ટેક્નોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કરીને પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત સેવા પસંદગી મંડળ, લોકરક્ષક ભરતી બોર્ડ અને રાજ્ય સરકારના જાહેર સાહસો અને બોર્ડ/કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં છેલ્લા પાંચ વર્ષમાં જે ભરતી કરી છે તેમાં GPSC દ્વારા ૧૪ હજાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ૨૪ હજાર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૨૪ હજાર અને લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજાર યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડી છે. ભરતી પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે અને આગામી સમયમાં પણ વધુને વધુ ભરતી કરવાનું અમારૂ આયોજન છે.

શ્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલ બિન સચિવાલય ક્લાર્ક / આસિસ્ટન્ટની પરીક્ષામાં ૧૦ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને ૬ લાખ યુવાનોએ પરીક્ષા આપી અને પારદર્શિતાથી પરીક્ષા લેવાઇ છે, તે સમયે પણ કોંગ્રેસે રાજનીતિ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને પરીક્ષામાં ગેરરીતિ / પેપર લીક થયું એવા આક્ષેપો કરીને યુવાનોના ખભે બંદૂક ફોડવાનો પ્રયાસ કરીને ઉમેદવારોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને પાટનગરમાં આંદોલન કરીને ગાંધીનગરને બાનમાં લેવાનો હિન પ્રયાસ કર્યો અને વિધાનસભાના ઘેરાવ સહિતનો પ્રયાસ કર્યો ત્યારે યુવાઓ છેતરાયા નહીં અને તેમને રાજ્ય સરકાર પર વિશ્વાસ હતો તે વિશ્વાસને પણ અડગ રાખવા માટે યુવાઓની માંગણી મુજબ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગેરરીતિની ફરીયાદોની ન્યાયિક તપાસ માટે SITની રચનાનો નિર્ણય કર્યો છે. SITની તપાસના તારણો બાદ સરકાર ચોક્કસ યોગ્ય નિર્ણય લેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને બિન સચિવાલય કારકુનની ભરતીની પરીક્ષા સંદર્ભે જે ૩૯ ફરીયાદો મળી હતી તેની FSL દ્વારા તપાસ ચાલી રહી છે. તેમાં પણ કોઇ કસૂરવાર હશે તો તેની સામે પણ કડક પગલાં લેવાશે.

તેમણે ઉમેર્યું કે, સામાન્ય રીતે કોઇ એક જ સંવર્ગની પરીક્ષા યોજાય ત્યારે જ વેઇટીંગ લીસ્ટ બનાવવાનું હોય છે, જ્યારે મુખ્યમંત્રીશ્રીએ લોકરક્ષક દળની પરીક્ષામાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો ખાસ કિસ્સામાં નિર્ણય યુવાઓના હિતમાં કર્યો છે.

શ્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ડેપ્યુટી સેક્શન ઓફીસરની પરીક્ષા યોજાઇ જેમાં ૨ લાખ યુવાઓએ પરીક્ષા આપી તે જ રીતે જી.પી.એસ.સી. દ્વારા  વર્ગ-૧-૨ની પરીક્ષા યોજાઇ જેમાં પણ ૧.૫ લાખ યુવાઓની પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતાથી લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.