Western Times News

Gujarati News

નાગરિક સુધારા બિલ રાજ્યસભામાં પાસઃ બિલની તરફેણમાં ૧૨૫ અને વિરોધમાં ૧૦૫ મત

નવીદિલ્હી: રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને લીલીઝંડી મળી ગઈ છે. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ એક મોટી સિદ્ધિ અને મોટી સફળતા હાંસલ કરી લીધી છે. આ બિલ રાજ્યસભામાં આજે પાસ થયા બાદ એકબાજુ ભાજપ અને સાથી પક્ષોના કાર્યકરોએ જારદાર ઉજવણી કરી હતી જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ આની નિંદા કરી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા બિલ પાસ થવાની બાબત ભારત માટે કાળા દિવસ તરીકે છે.

આજે દિવસ દરમિયાન ચર્ચા બાદ મોડી રાત્રે આ બિલને લીલીઝંડી મળી ગઈ હતી. રાજ્યસભામાં બિલની તરફેણમાં ૧૨૫ અને વિરોધમાં ૧૦૫ મત મળ્યા હતા. શિવસેનાએ વોકઆઉટ કર્યો હતો. આ બિલની તરફેણમાં અને વિરોધમાં કેટલા મત પડે છે તેને લઇને ભારે ચર્ચા જાવા મળી હતી. બિલ ઉપર મતદાનથી પહેલા તેને સિલેક્ટ કમિટિને મોકલવાને લઇને પણ મતદાન થયું હતું પરંતુ આ પ્રસ્તાવ પણ ઉડી ગયો હતો. સિલેક્ટ કમિટિને આ બિલ મોકલવાની તરફેણમાં માત્ર ૯૯ મત પડ્યા હતા જ્યારે ૧૨૪ સાંસદોએ આની વિરુદ્ધમાં મત આપ્યા હતા.

આ ઉપરાંત સુધારાના ૧૪ પ્રસ્તાવો ઉડી ગયા હતા. બહુમતથી આ તમામ પ્રસ્તાવને નામંજુર કરી દેવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાનૂનમાં બદલાઈ જશે. સોમવારે મોડી રાત્રે આને લોકસભામાં મંજુરી મળી હતી. રસપ્રદ બાબત એ છે કે, લોકસભામાં બિલનું સમર્થન કરનાર શિવસેનાના ત્રણ સભ્યોએ વોકઆઉટ કર્યો હતો.

લોકસભામાં બિલને સમર્થન આપવાના મુદ્દે મહારાષ્ટ્રમાં તેની સરકાર સાથે રહેલી કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. બસપના બે સાંસદોએ પણ વોકઆઉટ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કર્યા બાદ ધાંધલ ધમાલનો દોર ચાલ્યો હતો. આક્ષેપબાજી થઇ હતી. રાજ્યસભામાં ઉગ્ર ચર્ચા ચાલી હતી.
છ કલાકથી વધુ સમય સુધી ડિબેટ ચાલી હતી જેમાં તમામ પક્ષોના નેતાઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલે કહ્યું હતું કે, દ્વિરાષ્ટ્ર માટે અમારો સિદ્ધાંત નથી. તેઓ ગૃહમંત્રીને અપીલ કરે છે કે પોતાના આક્ષેપોને પરત લઇ લેવામાં આવે. સિબ્બલે કહ્યું હતું કે, બિલ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને બંધારણી મંજુરી આપી છે. આ બિલ નાગરિકતા માટે ધર્મને આધાર બનાવે છે.

સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, તેમને આ વાત સમજાતી નથી કે, આખરે અમિત શાહે કયા ઇતિહાસના પુસ્તકો વાંચ્યા છે. સિબ્બલે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના વિચારો ઉપર વિશ્વાસ રાખતી નથી. કપિલ સિબ્બલે અમિત શાહની એવી ટિપ્પણીનો પણ જવાબ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના કોઇપણ મુસ્લિમને  ભયભીત થવાની જરૂર નથી.

તેમણે કહ્યું હતું કે, અમે અથવા તો દેશના મુસ્લિમો સરકારથી ડરતા નથી બલ્કે બંધારણથી ભયભીત છે. કોંગ્રેસના નેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ બિલ દેશને તોડનાર છે. ભાજપના એજન્ડાને અમે ૨૦૧૪થી ઓળખીએ છીએ.

લવ જેહાદ, એનઆરસી, કલમ ૩૭૦થી લઇને નાગરિક સુધારા બિલ સુધીના એજન્ડાથી અમે વાકેફ છીએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે, સરકાર દ્વારા અયોગ્ય કાયદા દ્વારા નાગરિક સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. ગેરબંધારણીય કાયદાઓને રજૂ કરીને બંધારણના નિર્માતાઓ ન્યાયતંત્ર ઉપર તેમની જવાબદારી નાંખી રહ્યા છે. બંધારણ અંદર ધ્વંસ થઇ જશે અને ભાંગી પડશે.

કોંગ્રેસના આનંદ શર્માએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, ભાજપ સરકાર આ બિલને પસાર કરવા ખુબ ઉતાવળ તરી રહી છે. આને સંસદીય સમિતિ પાસે મોકલવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, બિલ પાસ કરવામાં આવશે તો વધુ સમસ્યા સર્જાશે. આનંદ શર્માએ કહ્યું હતું કે, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. વિરોધ કરવા માટેનું કારણ કોઇ રાજકીય નથી બલ્કે નૈતિક અને બંધારણીય છે. ભારતીય બંધારણ ઉપર આ બિલ પ્રહાર કરે છે. લોકશાહી પર પણ પ્રહાર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.