Western Times News

Gujarati News

સેવા મંડળીઓને પ્રોત્સાહિત કરવા 30 જિલ્લાઓમાં ૩૦મી ઓક્ટોબર સુધીમાં સેમીનારોનું આયોજન

ગામડાની સેવા મંડળીઓને બહુહેતુક બનાવવા રાજ્યની  ૧૦,૦૦૦ પેક્સ મંડળીઓ પૈકી ૮,૫૦૦થી વધુ મંડળીઓમાં આદર્શ ઉપનિયમો ઘડાયા-પ્રવકતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ   

કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયની વિવિધ પહેલ અનુસાર ગામડાની સેવા મંડળીઓ-પેક્સને બહુહેતુક બનાવવામાં આવી રહી છે. તે માટે રાજ્યની ૧૦,૦૦૦ પેક્સ(પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળી)ઓ  પૈકી ૮,૫૦૦ થી પણ વધારે મંડળીઓના ઉપનિયમો બદલીને આદર્શ ઉપનિયમો ઘડવામાં આવ્યા છે.

જે અંતર્ગત સેવા મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરવી, જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવા, ખાતર વિતરણ લાયસન્સ મેળવવા, પેટ્રોલ પંપ શરૂ કરવા, ખેડૂતોને સોલર પંપ સંબંધિત માહિતી આપવા, ગોડાઉનો બનાવવા વગેરે કામગીરી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે તેમ, પ્રવક્તા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે મીડિયા મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી શ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસ માટે પ્રથમવાર અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે ત્યારે દેશના પ્રથમ સહકારીતા મંત્રી તરીકે શ્રી અમીતભાઈ શાહે ધુરા સાંભળીને ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા સંખ્યાબંધ યોજનાઓ તૈયાર કરીને વિવિધ નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ગુજરાતના ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવા ગામડાઓની સેવા સહકારી મંડળીઓ સુધી વિવિધ લાભો પહોંચે તે દિશામાં સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના સહકાર મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા તમામ જિલ્લાઓમાં સેવા સહકારી મંડળીઓ-પેક્સને જિલ્લા કક્ષાએ સેમિનાર કરીને માહિતગાર અને પ્રોત્સાહિત કરવા આગામી તા.૩૦ ઓક્ટોબર-૨૦૨૩ સુધી રાજ્યના ૩૩ તમામ જિલ્લાઓમાં વિવિધ સેમિનાર યોજવામાં આવશે.

જેમાં જનપ્રતિનિધિ, નાબાર્ડના પ્રતિનિધિ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રતિનિધિ અને અમુક જિલ્લાઓમાં ગાંધીનગરથી રાજ્યકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનાર  સમયમાં ગામડાઓની સેવા મંડળીઓની વિવિધ પ્રવૃત્તિઓ થકી ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ મળશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.