Western Times News

Gujarati News

2700 કૂતરા છે આ શહેરમાં અને 30 હજારનું ખસીકરણ કરવા 2.90 કરોડ ખર્ચયા

પ્રતિકાત્મક

સુરતમાં ખસીકરણના નામે તંત્રએ ૩૦ હજાર શ્વાન પાછળ ૨.૯૦ કરોડ ખર્ચયા-સુરત શહેરમાં માત્ર ૨૭૦૦ શ્વાન છે, જ્યારે ૩૦ હજાર શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું 

(એજન્સી)સુરત, સુરતમાં રખડતા શ્વાનને પકડવાના નામે કૌભાંડ થયાનો ખુલાસો થયો છે. સુરતના નાગરિકે આરટીઆઈ કરતાં શ્વાનોને લઇ મોટો ખુલાસો થયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કાગળ પર શ્વાન પકડવાની સંખ્યા વધારે દર્શાવી કૌભાંડ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકા કમિશનર કથિત કૌભાંડ બાબતે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકા ફરી વિવાદોમાં સપડાઈ છે. શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને સમસ્યા અંગે આરટીઆઈ દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ સુરતના ૧થી ૧૦૧ વોર્ડમાં ફક્ત ૨૭૦૦ રખડતા શ્વાન હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે. જ્યારે છેલ્લા ૫ વર્ષમાં ૩૦ હજારથી વધુ શ્વાન પકડ્યા છે અને શ્વાનને પકડીને ખસીકરણ કરવા મહાપાલિકાએ ૨.૯૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

ત્યારે હવે સવાલ એ છે કે, સુરત શહેરમાં કુલ ૨૭૦૦ જેટલા રખડતા શ્વાન છે, તો ૩૦ હજાર શ્વાન ક્યાંથી લાવીને પકડ્યા. વાસ્તવમાં સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાઅ આરટીઆઈ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રખડતા શ્વાનને લઈને માહિતી માંગવામાં આવી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટની આરટીઆઈના જવાબમાં મનપાએ જણાવ્યું છે કે સુરત શહેરમાં માત્ર ૨૭૦૦ શ્વાન છે,

જ્યારે ૩૦ હજાર શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ મામલે મનપાના એડિશનલ માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, સુરતમાં ૮૦થી ૯૦ હજાર શ્વાન હશે. ગયા વર્ષે ૩૦ હજાર શ્વાનની નસબંધીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે પૂર્ણ થયું છે. તો અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, તેઓ સેન્સર વિભાગમાં કામ કરે છે, તે કેવી રીતે થયું તેમને ખબર નથી.

દરમિયાન સુરત સહિત રાજ્યભરમાં શ્વાનના ત્રાસમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ, રખડતાં ઢોરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના પગલે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. રખડતાં ઢોરો મામલે ગુજરાત હાઈકોર્ટે તંત્ર સામે અનેક વખતે લાલ આંખ કરી છે. તેમ છતાંય સમસ્યાનું ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફવ રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.