Western Times News

Gujarati News

લશ્કર-એ-તૌયબાના આતંકી અકરમ ગાઝીને ઠાર મરાયો

નવી દિલ્હી, પાકિસ્તાનના બાજૌરમાં ગુરુવારે લશ્કર-એ-તૌયબાના ભૂતપૂર્વ નેતા અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજાણ્યા હુમલાખોરો દ્ધારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદી અકરમ ગાઝીએ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન લશ્કરની ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું. ઉપરાંત તે પાકિસ્તાનમાં તેમના ભારત વિરોધી ભાષણો માટે જાણીતો હતો. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. તે આતંકવાદીઓની ભરતી માટે જવાબદાર હતો. કાશ્મીરમાં આતંકવાદીઓને ઘૂસાડવામાં તેની મહત્વની ભૂમિકા હતી.

ગાઝીની હત્યા પાછળ સ્થાનિક હરીફો અને લશ્કરમાં આંતરિક સંઘર્ષ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાની એજન્સીઓ ગાઝીની હત્યાની તપાસ કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીએ કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવામાં યુવાનોના કેટલાય જૂથોને મદદ કરી હતી. આ સિવાય તે ઘણા આતંકવાદીઓને કટ્ટરપંથી બનાવવા માટે જવાબદાર હતો.

અગાઉ પાંચ નવેમ્બરના રોજ ૨૦૧૮ના સુંજવાન આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડમાંના એક ખ્વાજા શાહિદનું જમ્મુ અને કાશ્મીરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક તેનું માથું કપાયેલુ મળી આવ્યું હતું. પાકિસ્તાની એજન્સીઓ લશ્કર-એ-તૌયબાના કમાન્ડર અકરમ ગાઝીના મોત પાછળનું કારણ શોધી રહી છે. તેણે આ માટે કદાચ બે કારણો જવાબદાર ગણાવ્યા છે. પ્રથમ વિવિધ આતંકવાદી જૂથો સહિત સ્થાનિક હરીફો સાથે દુશ્મનાવટ અને બીજું તેના પોતાના સંગઠનમાં ચાલી રહેલી આંતરિક લડાઈ.

આ અંગે એક સૂત્રએ જણાવ્યું કે ગાઝી લશ્કરના સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. તે ભારત વિરુદ્ધ નફરતભર્યા ભાષણો આપવા માટે જાણીતા હતા. અકરમ ગાઝીને પાકિસ્તાનના બાજૌર વિસ્તારમાં કેટલાક અજાણ્યા બાઇક સવારોએ ગોળી મારી હતી. તાજેતરના સમયમાં લશ્કર-એ-તૌયબાના ટોચના આતંકવાદીની આ બીજી હત્યા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પીઓકેના રાવલકોટમાં અલ કુદ્દુસ મસ્જિદની બહાર લશ્કર કમાન્ડર રિયાઝ અહેમદની હત્યા કરવામાં આવી હતી. તે એલઈટીમાં લોકોની ભરતી પણ કરતો હતો.

જાે કે અકરમ ગાઝીના મોતને આઈએસઆઈ અને લશ્કર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે ૨૦૨૩માં પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો વડો પરમજીત સિંહ પંજવાર, લશ્કર-એ-તૌયબાના મૌલાના ઝિયાઉર રહેમાન અને મુફ્તી કૈસર ફારૂકનો સમાવેશ થાય છે.

આ તમામ લોકોની પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. ગયા મહિને ૧૦ ઓક્ટોબરના રોજ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદ લતીફને સિયાલકોટની એક મસ્જિદમાં અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી હતી. તે જૈશ-એ-મોહમ્મદનો સભ્ય હતો, જે ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનાર ફિદાયીન ટુકડીનો મુખ્ય સંચાલક હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.