Western Times News

Gujarati News

પેટ કમિન્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્નાટો ફેલાવી દીધો

કમિન્સે જે કહ્યું હતું તે પાળી બતાવ્યું

ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કરતાં ૧૩૭ રનની ઈનિંગ્સ રમી, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો

અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ રમાઈ હતી. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે જેની ક્ષમતા ૧.૩ લાખ પ્રેક્ષકોની છે. ફાઈનલ અગાઉ યોજાયેલી પત્રકાર પરિષદમાં પેટ કમિન્સે કહ્યું હતું કે, “હું જાણું છું કે આવતીકાલે સ્ટેડિયમમાં પ્રેક્ષકો સ્પષ્ટપણે એકતરફી હશે. આવી સ્થિતિમાં ૧.૩ લાખની ભીડને ચૂપ કરવા સિવાય સંતોષજનક બીજું કંઈ નથી.ICC World Cup India vs Australia

ફાઈનલ મેચમાં પણ અમારો લક્ષ્યાંક આ જ રહેશે.” કમિન્સને પ્રેક્ષકોના દબાણ અંગે સવાલ કર્યો હતો તેની પ્રતિક્રિયામાં આ જવાબ આપ્યો હતો. જાેકે, પેટ કમિન્સ અને તેની ટીમે જે કહ્યું હતું તે રવિવારે પાળી બતાવ્યું હતું. પેટ કમિન્સ અને ઓસ્ટ્રેલિયન ટીમને જાણે આટલા બધા ભારતીય સમર્થકોનો કોઈ ફરક જ ન પડ્યો હોય તેવી રીતે પ્રદર્શન કર્યું હતું. સમગ્ર મેચ દરમિયાન મોટા ભાગે સ્ટેડિયમમાં સન્નાટો જ છવાયેલો રહ્યો હતો. ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમને બીજી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.

અગાઉ ૨૦૦૩માં સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી ટીમને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. પેટ કમિન્સે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ ભારતીય બેટ્‌સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બોલિંગ અને ફિલ્ડિંગમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન રોહિત શર્મી બેટિંગ સિવાય અન્ય કોઈ બેટ્‌સમેનની બેટિંગમાં એવો દમ ન હતો કે જે ત્યાં હાજર એક લાખથી વધુ પ્રેક્ષકોને ખુશી આપી શકે. વિરાટ કોહલીએ ચોક્કસથી અડધી સદી ફટકારી હતી પરંતુ તેની વિકેટ જે રીતે પડી તે જાેઈને સ્ટેડિયમમાં ખરેખર સન્નાટો થઈ ગયો હતો.

કોહલી પેટ કમિન્સના એક બોલને ડિફેન્સ કરવા ગયો હતો જેમાં બોલ તેના બેટને અડીને સ્ટમ્પમાં ગયો હતો અને તે આઉટ થઈ ગયો હતો. જ્યારે લોકેશ રાહુલે ૧૦૭ બોલમાં ૬૬ રન નોંધાવ્યા હતા જેમાં તે એક જ ચોગ્ગો ફટકારી શક્યો હતો. આમ તેણે ભલે અડધી સદી ફટકારી હોય પરંતુ તેની બેટિંગથી પ્રેક્ષકોને કંઈ મજા આવી ન હતી. ભારતીય ટીમે ૨૪૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જસપ્રિત બુમરાહે શરૂઆતમાં બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી હતી.

ત્યારે પ્રેક્ષકોમાં ઉત્સાહ આવી ગયો હતો. લોકોને લાગી રહ્યું હતું કે ભારતીય બોલર્સ જાેરદાર વળતો પ્રહાર કરશે. પરંતુ બાદમાં ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની જાેડીએ પ્રેક્ષકોને નિરાશ કર્યા હતા અને અંતે ખરા અર્થમાં સ્ટેડિયમમાં સન્નાટો ફેલાવી દીધો હતો. હેડે ૧૩૭ અને લાબુશેને અણનમ ૫૮ રનની ઈનિંગ્સ રમી હતી. જાેકે, પ્રેક્ષકોએ બાદમાં તાળીઓ સાથે ઓસ્ટ્રેલિયાની જીતને વધાવી લીધી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.