Western Times News

Gujarati News

ચાલુ વર્ષે પણ કપાસનો ભાવ ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના

ગુજરાતમાં જૂન ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને વરસાદ પણ સારો થયેલ છે, પરંતુ વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું.જુલાઈ ૨૦૨૩માં સતત અને વધુ વરસાદ પડ્‌યો, ત્યારબાદ ઓગસ્ટથી સપ્ટેમ્બર ૨૦૨૩ના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શુષ્ક વાતાવરણ રહ્યું, જેના લીધે પાકોને માઠી અસર થઈ.

કપાસની વાવણી જુલાઈ ૨૦૨૩ના ત્રીજા સપ્તાહમાં પૂરી થઇ હતી અને ચાલુ વર્ષે અંદાજીત ૨૬.૮૧ લાખ હેક્ટરમાં વાવેતર થયેલ છે, જે ગત વર્ષ (૨૫.૪૯ લાખ હે.)કરતા ૧.૩૨ લાખ હેક્ટર જેટલું વધારે છે. ચાલુ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૧૦૧ લાખ ગાંસડી થવાનો અંદાજ છે(પ્રથમ આગોતરો અંદાજ તા.૨૧-૦૮-૨૦૨૩), જે ગત વર્ષ જેટલો જ છે, પરંતુ પાકની પરિસ્થિતિ થોડી નબળી હોવાથી ઉત્પાદન અંદાજ કરતા ઓછુ થશે.

ચાલુ વર્ષે દેશમાં, કપાસનું વાવેતર અંદાજીત ૧૨૩.૮૭ લાખ હેકટરમાં થયેલ છે, જે ગત વર્ષના ૧૨૭.૭૩ લાખ હેક્ટર કરતા ઓછુ છે, અને ઉત્પાદન પણ ઓછુ અંદાજીત ૩૧૬.૫૭ લાખ ગાંસડી (પ્રથમ આગોતરો અંદાજ તા.૨૭-૧૦-૨૦૨૩)થશે, જે ગત વર્ષના ૩૪૩ લાખ ગાંસડી કરતા ઓછુ છે. મુખ્ય રાજ્યોમાં વરસાદની અનિયમિતતાને લીધે રહેશે. જે દર્શાવે છે કે ચાલુ વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઘરેલું વપરાશની જરૂરિયાત લગભગ ૩૨૫ લાખ ગાંસડી કરતા થોડું ઓછુ રહેશે.

અમેરિકાના કૃષિ વિભાગના અહેવાલ મુજબ વિશ્વ સ્તરે, કપાસનું વાવેતર ગયા વર્ષ જેટલું જ ૩૧૮ લાખ હેક્ટર નોંધાયું છે. વાવેતરનો વધારો માત્ર યુ.એસ.એ.માં જ થયો છે. સને ૨૦૨૩-૨૪માં વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન ૧૪૩૯ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા લગભગ ૮૧ લાખ ગાંસડી ઓછુ (૧૫૨૦ લાખ ગાંસડી) અને વપરાશ થોડો વધુ (૧૪૮૪ લાખ ગાંસડી)થવાનો અંદાજ છે,

જેથી ચાલુ વર્ષે વિશ્વ બજારમાં ભાવ જળવાય રહે. સને ૨૦૨૨-૨૩ માં ભારતમાંથી કપાસ (રૂ)ની નિકાસમાં ધરખમ ઘટાડો થયાને માત્ર ૧૮.૭૩ લાખ ગાંસડી થઈ હતી, જે ગયા વર્ષે ૭૪ લાખ ગાંસડી હતી. જયારે ભારતમાં કપાસની આયાત વર્ષ ૨૦૨૨-૨૩ માં વધીને ૨૬.૫૬ લાખ ગાંસડી થઈ હતી, જે વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૩.૧૮ લાખ ગાંસડી હતી. આ ઉપરાંત ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં માત્ર ૧૦ લાખ ગાંસડી કપાસની નિકાસ થયેલ અને ૯ લાખ ગાંસડીની આયાત થયેલ છે.

ગત વર્ષે ભારતમાંથી કપાસની નિકાસમાં ખુબ જ ઘટાડો થયો હતો અને આયાતમાં વધારો થયો હતો, જેથી કપાસના ભાવ ઓક્ટોબર ૨૦૨૨ માં મણના રૂ/. ૧૭૦૦ જેટલા હતા, જે સતત ઘટીને અપ્રિલ ૨૦૨૩માં મણના રૂ./ ૧૬૦૦ થયા, અને આગળ જુલાઈ ૨૦૨૩ માં મણના રૂ./૧૪૦૦ થયા, અને ત્યારબાદ આ સ્તરે રહ્યા. હાલ ઓક્ટોબર, ૨૦૨૩ ગુજરાતની વિવિધ બજારોમાં મણના રૂ./ ૧૪૨૦ જેટલા પ્રવર્તમાન છે, જે કાપણી સમયે થોડી વધ-ઘટ સાથે હાલની સપાટીએ મજબૂત રહેવાની સંભાવના છે. ભારત સરકારશ્રીએ ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે કપાસનો ટેકાનો ભાવ મણના રૂ./૧૪૦૪ (ક્વિન્ટલ દીઠ રૂ./૭૦૨૦) નક્કી કર્યા છે, જે ગયા વર્ષે ૧૨૭૬ રૂપિયા હતા.

ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઇ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના ઐતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કરેલ છે. જેના તારણ મુજબ એવું અનુમાન છે કે, કપાસનો ભાવ નવેમ્બર, ૨૦૨૩થી જાન્યુઆરી,૨૦૨૪ દરમ્યાન (કાપણી સમયે) મણના રૂ./ ૧૪૦૦ થી ૧૫૪૦ (ક્વિન્ટલ દીઠ રૂ./૭૦૦૦-૭૭૦૦)રહેવાની સંભાવના છે. જેથી ઉપરોક્ત બાબતો અંગેની નોંધ લઇ, કપાસનો સંગ્રહ કરવા, તેમજ જાન્યુઆરી ૨૦૨૪ પછી વેચાણ કરવા, ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરી શકે છે. જો કાપણીની મોસમમાં ભાવ મણના રૂ./૧૬૦૦ થી ઉપર જાય, તો તે ભાવે તુરંત વેચાણ કરવા નિર્ણય લઇ શકે.

ચીન અને કેટલાક કપાસની આયાત કરતા દેશોની અર્થવ્યવસ્થા સુસ્ત હોવાથી, ભારતમાંથી કપાસની નિકાસની તકો ઓછી છે, તેમ જ જકાતમુક્ત કપાસની આયાત વધવા સંભવ છે; તેથી ભારતમાં કપાસના ઉત્પાદનનો ઓછો અંદાજ, એ એક માત્ર પરિબળ દર્શાવે છે, કે ભવિષ્યમાં કપાસના ભાવમાં થોડો વધારો થવાની સંભાવના રહેલી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.