Western Times News

Gujarati News

PPP મોડેલ પર રાજ્યમાં CNG સ્ટેશનોને વિકસાવાશે

ગ્રીન-ક્લીન ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું સ્તુત્ય કદમ-ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ અંદાજે 3050 કિલોમીટરના સ્ટીલ નેટવર્કથી ડીલરના ઓનલાઈન સ્ટેશને ગેસ પહોંચાડશે.

CNG જેવા સ્વચ્છ ઈંધણના ઉપયોગને રાજ્યમાં વધુ પ્રોત્સાહન આપવા FDODO-ફુલ ડીલર ઓન્‍ડ ડીલર ઓપરેટેડ યોજનાને મંજૂરી આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યમાં ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ- FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે.આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં, યોજના માટે પારદર્શક સિલેક્શન પ્રોસેસના આધારે પસંદગી કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગ્રીન ગ્રોથ અન્વયે ગેસ આધારિત ઇકોનોમીને વેગ આપવાની વિવિધ પહેલ રાજ્ય સરકારે કરી છે. દેશમાં એકમાત્ર ગુજરાતમાં જ સમગ્ર રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્ક ફેલાયેલું છે તથા બહુધા જિલ્લાઓ આ ગેસ નેટવર્કથી
જોડાયેલા છે.

આ ઉપરાંત ગુજરાત ૧૦૦૨ જેટલા CNG સ્ટેશન સાથે દેશમાં અગ્રેસર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં CNG સ્ટેશન્‍સનો વ્યાપ વધારવા અને CNG વાહન ધારકોને સરળતાએ CNG બળતણ ઉપલબ્ધ થાય તેવા આશાયે આ ફુલ ડીલર ઓન્‍ડ ઓપરેટેડ સ્કીમ PPP મોડેલ પર રાજ્યમાં શરૂ કરવાની અનુમતિ આપી છે.

આ યોજના અન્વયે CNG સ્ટેશન ઊભું કરવા માટે જમીનને લગતી મંજૂરી લેવાની તથા દસ્તાવેજ કરાવવાની સંપૂર્ણ જવાબદારી ડીલરની રહેશે. CNG સ્ટેશનમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડના સ્પેસિફિકેશન અનુસાર સ્ટેશન સેટઅપ ,બાંધકામ થતા મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ કામ પણ ડીલરે જ કરાવવાનું રહેશે.

એટલું જ નહીં, CNG ઇક્વિપમેન્ટ માટે જરૂરી કોમ્પ્રેસર, કાસકેડ, CNG ડિસ્પેન્‍સર, ટ્યુબિંગ્સ, વગેરે ખરીદીને તેને ફીટ કરવાનું તેમજ ચાલુ કરવાનું પણ ડીલરના શિરે રહેશે.

ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ અંદાજે 3050 કિલોમીટરના સ્ટીલ નેટવર્કથી ડીલરના ઓનલાઈન સ્ટેશને ગેસ પહોંચાડશે.

જ્યાં આવો ઓનલાઇન ગેસ પહોંચી શકે નહીં તેવા ડોટર બુસ્ટર CNG સ્ટેશનને ડીલરના લાઈટ, મીડીયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલને અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન કે બુસ્ટર કોમ્પ્રેસર વિના CNG પૂરો પાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.