Western Times News

Gujarati News

ટોકિયો-જાપાનમાં વસેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે CMનો મિલન સમારોહ યોજાયો

મુખ્યમંત્રીશ્રીનો જપાન પ્રવાસનો પ્રથમ દિવસ-ગુજરાત હવે ગ્રીન હાઈડ્રોજન-સેમીકંડક્ટર અને ઈ-મોબિલિટી જેવા નવા ઊભરતા સેક્ટર્સનું પણ કેન્દ્ર બની રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ માં G20 ના સફળ આયોજનથી  ભારત વૈશ્વિક સ્તરે  હવે થોટ લીડર તરીકે ઉભરી રહ્યું છે- ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની ખ્યાતિ જાપાનમાં પ્રસરાવવામાં ગુજરાતીઓ બ્રાન્ડ એમ્બેસેડર છે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટોકિયો-જાપાનમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે યોજાયેલા મિલન સમારોહમાં જણાવ્યું કે, ગુજરાતીઓ અને ભારતીય સમુદાય સાહસિકતા અને વેપાર કુશળતાથી વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થયેલા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન-રાજ્ય ગુજરાતના વિકાસની સુવાસ જાપાનમાં પણ પ્રસરાવી રહેલા ભારતીય અને ગુજરાતી સમુદાય તેનું આગવું દ્રષ્ટાંત છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની લીધેલી મુલાકાતથી ગુજરાત-જાપાન વચ્ચે બિઝનેસ એન્ડ કલ્ચરલ રિલેશન્સનો વ્યાપ વધ્યો છે. Indian community reception hosted at the Embassy of India in Japan to welcome the Chief Minister of Gujarat Bhupendrabhai Patel.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન તેમ જ જાપાન સાથેનો સંબંધ સેતુ વધુ સુદ્રઢ કરવા જાપાનના સાપ્તાહિક પ્રવાસે છે.

આ પ્રવાસના પ્રથમ દિવસે ટોકિયામાં વસતા ગુજરાતી સમાજ, ભારતીય સમુદાય સાથેના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાની વિસ્તૃત વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ  કરાવેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે બે દાયકા પૂર્ણ કરી ગુજરાતના વૈશ્વિક વિકાસની આગવી ઓળખ બની છે.

ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોહબ ઉપરાંત હવે ગ્રીન હાઈડ્રોજન, સેમીકંડક્ટર અને ઈ-મોબિલિટી જેવા નવા ઊભરતાં સેક્ટર્સમાં પણ રોકાણો માટેનું હબ બનવા સજ્જ થયું છે, એમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ભારત વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે અને ગુજરાત પણ દેશના વિકાસના રોલમોડેલ તરીકે તેમાં અગ્રેસર છે, એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાકાર કરતા જી-20ની ઈન્ડિયા પ્રેસિડેન્સી સફળતાપૂર્વક પાર પાડી છે. જી-20 કેવી રીતે સાકાર થઈ શકે તે વડાપ્રધાનશ્રીએ માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ, દેશના વિવિધ રાજ્યોમાં જી-20 બેઠકોના સફળ આયોજનથી સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું છે. ગુજરાતમાં જી-20ની 17 જેટલી બેઠકો યોજવામાં આવી હતી, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જી-20ની પ્રેસીડેન્સી સફળતાપૂર્વક પાર પાડીને વિશ્વને બતાવી દીધું કે ભારત વિશ્વની અર્થ વ્યવસ્થામાં માત્ર ગ્રોથ એન્જિન જ નથી પરંતુ થોટ લીડર તરીકે પણ વૈશ્વિક સ્તરે ઊભરી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના આવા કુશાગ્ર નેતૃત્વને પરિણામે દેશના વિવિધ રાજ્યો પણ કેન્દ્ર સરકાર સુસંગત પોલિસી ઘડતા થયા છે. વડાપ્રધાનશ્રીએ અમૃતકાળમાં વિકસિત ભારત@2047 માટે આપેલો અભિનવ વિચાર, આના પરિણામે સાકાર થશે એમ પણ મુખ્યમંત્રીશ્રી એ કહ્યું હતું.

મુખ્યમંત્રીએ જાપાન ગુજરાતના વિકાસમાં ભાગીદાર રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર, ડી.એમ.આઈ.સી. જેવા મહત્વપૂર્ણ  પ્રોજેક્ટ્સ તેના ઉદાહરણ છે. એટલું જ નહીં, જાપાન 2009થી વાઈબ્રન્ટ સમિટનું સહભાગી રાષ્ટ્ર રહ્યું છે.

મુખ્યમંત્રીએ ગુજરાતની આ વિકાસયાત્રાની ખ્યાતિને જાપાન-ટોકિયોમાં પ્રસરાવી રહેલા ગુજરાતીઓ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે તેમ પણ આ તકે જણાવ્યું હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી-ભારતીય સમુદાયને વતનભૂમિની આ વિકાસયાત્રાની પ્રત્યક્ષ અનુભૂતિ માટે આગામી વાઈબ્રન્ટ સમિટ-2024માં જોડાવા માટે વતનભૂમિ આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ 2047નું વિઝન આપ્યું છે. આ વિઝનને સાકાર કરવા વાઈબ્રન્ટ સમિટ-2024 ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે હોલિસ્ટિક ડેવલપમેન્ટની ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં સફળ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

આ મિલન સમારોહના પ્રારંભમાં ભારતના જાપાન સ્થિત એમ્બેસેડર શ્રી સી.બી. જ્યોર્જે ગુજરાત અને જાપાન તથા ભારત વચ્ચેના ઉષ્માપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા કનેક્ટિંગ હિમાલયાઝ વિખ માઉન્ટ ફુજી વિશે પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે અને જાપાનમાં ઘેરઘેર વાઈબ્રન્ટ ગુજરાતનું નામ ગૂંજતું થયું છે, તેમ પણ જણાવ્યું હતું.

જાપાન ટોકિયોમાં વસેલા ગુજરાતી-ભારતીય સમુદાયના અગ્રણીઓ, આમંત્રિત પરિવારો તથા પદાધિકારીઓ આ સ્નેહમિલનમાં જાડાયા હતા. ગુજરાતના મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો તથા ડેલિગેશનના સભ્યો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.