Western Times News

Gujarati News

જાપાનની આ પાંચ મોટી કંપનીના ઉદ્યોગપતિઓને મળ્યા CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે અગ્રણી જાપાનીઝ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલા રચી હતી.

રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ

આ શ્રૃંખલામાં મુખ્યમંત્રીશ્રીએ રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનના વાઈસ પ્રેસિડન્ટ શ્રી ચાર્લ્સ કાવાશિમા સહિતના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કંપનીના ભારતમાં કાર્યરત ઓપરેશન્સની ચર્ચા હાથ ધરાઈ હતી. કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કંપની અત્યારે ભારત પર વિશેષ ફોકસ કરી રહી છે. શ્રી ચાર્લ્સ કાવાશીમાએ મુખ્યમંત્રીશ્રી સાથે ભવિષ્યના સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની ક્ષમતાઓ વિશે ચર્ચા કરી હતી.

કંપનીએ ભારત સાથેની પાર્ટનરશીપ વધારવા અને ગુજરાતમાં આર એન્ડ ડી સેન્ટરની સ્થાપના માટે ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે હબ બનવા સજ્જ છે. તેમણે રાજ્ય સરકારની ‘ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૭’ વિશે પણ માહિતી આપી હતી.

ડાઈ નિપ્પોન પ્રિન્ટિંગ

વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલામાં મુખ્યમંત્રીશ્રીએ ડાઈ નિપ્પોન પ્રિન્ટિંગના સિનિયર કોર્પોરેટ ઓફિસર શ્રી ઓસામુ નાકામુરા સહિતના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેઓ ભારતમાં રોકાણ વધારવા ઉત્સુક છે. ગુજરાત સરકારની નીતિઓ અને અદ્યતન ઈનફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વ્યાપ વધારવામાં પણ તેમણે રસ દાખવ્યો હતો.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે લોજિસ્ટિક્સ સેક્ટરના વિકાસ માટે ‘ગુજરાત ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી’ અમલમાં મૂકી છે. લોજિસ્ટિક્સ સેક્ટરમાં રોકાણ માટે આ પોલિસીનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ પાઠવ્યું હતું. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો છે, તેથી લોજિસ્ટિક્સ સેક્ટરના વિકાસ માટે ગુજરાતમાં અપાર તકો રહેલી છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

નાગોયા ઇલેક્ટ્રિક વર્ક્સ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વન-ટુ-વન બેઠકોના આ દૌરમાં નાગોયા ઈલેક્ટ્રિક વર્ક્સના સિનિયર એક્સપર્ટ શ્રી સુબોઈ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શ્રી સુબોઈએ ગુજરાતમાં કાર્યરત કંપનીના પ્રોજેક્ટ્સની ચર્ચા કરી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને ગુજરાત તથા ભારતમાં ભવિષ્યના રોકાણ માટેના કંપનીનાં આયોજનો વિશે પણ જણાવ્યું હતું. ગુજરાતમાં કંપનીના મેન્યુફેક્ચરિંગનો વ્યાપ વધારવા માટે રહેલી સંભાવનાઓ વિશે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.

ટોયોટા ત્સુશો કોર્પોરેશન

જાપાનમાં અગ્રણી ઊદ્યોગગૃહો સાથેની વન-ટુ-વન બેઠકોના દૌરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટોયોટા ત્સુશો કોર્પોરેશનના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી હિરોશી યાનાગીસાવા સાથે મુલાકાત કરી હતી. કંપની લાંબા સમયથી ગુજરાતમાં હાજરી ધરાવે છે. આ બેઠકમાં કંપની તેના ઓપરેશન્સનો ગુજરાતમાં વ્યાપ કેવી રીતે વધારી શકે, તે વિશે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

શિઝુઓકા ગેસ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલામાં શિઝુઓકા ગેસના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કંપનીના પ્રતિનિધિઓએ ગુજરાત તથા ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ અને પાર્ટનરશીપ બાબતે મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી હતી.

આ વન-ટુ-વન મીટિંગ્સમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઊદ્યોગગૃહોના પ્રતિનિધિઓ તથા પદાધિકારીઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

આ વન-ટુ-વન બેઠકોમાં મુખ્યમંત્રીશ્રી સાથે જાપાન ખાતેના ભારતીય રાજદૂતશ્રી સીબ્બી જ્યોર્જ તથા મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.