Western Times News

Gujarati News

કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડના ગુજરાતમાં પ્રત્યાઘાત

 હત્યામાં સંડોવાયેલા આરોપી અને ષડયંત્રકારીઓનું એન્કાઉન્ટર કરવાની અપીલ

સુરત,  રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ નિર્મમ હત્યા કરવાની ઘટનાને પગલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ – અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે આજે સુરત શહેરમાં પણ આ ઘટનાને પગલે ભારે વિરોધ જોવા મળ્યો હતો. Karni Sena leader Sukhdev Singh who was shot dead in Jaipur

શહેરની સનાતની સેનાના સેંકડો કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ અને તેમા સંડોવાયેલા આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરવાની માંગણી કરવામાં આવી હતી.

ગત રોજ રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ઉપરા છાપરી ગોળીઓ ધરબીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ સિવાય હત્યારાઓ જેની સાથે ગોગામેડીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા તે નવીન શેખાવતને પણ ઠાર મારી નાખવામાં આવ્યો હતો. કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લેતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી.

બીજી તરફ સમગ્ર હત્યાકાંડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. રાજસ્થાનમાં તો આજે સવારથી જ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું અને જેને પગલે ઘણા ખરાં વિસ્તારોમાં શાળા – કોલેજો બંધ રાખવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા હત્યારાઓની ઓળખ થયા બાદ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત મધ્ય પ્રદેશમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે આજે સુરતમાં પણ સનાતની સેના દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સનાતની સેનાના સેંકડો કાર્યકરો દ્વારા રેલી યોજીને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

સનાતની સેનાના આગેવાનોએ રેલી દરમિયાન જણાવ્યું હતું કે, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને પગલે હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. હત્યારાઓને કાયદા – વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ અને ષડયંત્ર રચનારાઓને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવાની માંગણી સનાતની સેના દ્વારા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.