Western Times News

Gujarati News

આરોપી પોતાનો કેસ જાતે લડ્યો, નિર્દોષ પણ છુટ્યો

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં એક યુવાન પર ૧૮ વર્ષની વયે હત્યાનો કેસ થયા પછી તે જેલમાંથી બહાર નીકળીને વકીલાતનું ભણ્યો છે. એટલું જ નહીં, કાયદાની ડિગ્રી મેળવ્યા પછી તે પોતાનો કેસ જાતે લડ્યો અને અંતે નિર્દોષ પણ છુટ્યો છે.

અમિત ચૌધરી યુપીના મેરઠ નજીકનો રહેવાસી છે. તેને હત્યાના એક કેસમાં ખોટી રીતે ફસાવી દેવાયો ત્યારે તેની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. તેણે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કાયદાનો અભ્યાસ કર્યો જે તેને છોડાવવામાં મદદરૂપ સાબિત થયું છે.

આજથી ૧૨ વર્ષ અગાઉ અમિત ચૌધરી એક એવા કેસમાં ફસાઈ ગયો જે ગુનો તેણે કર્યો ન હતો. તેની સામે યુપીના મેરઠમાં બે પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો આરોપ લાગ્યો હતો. તેના પર કાઈલ ગેંગનો સભ્ય હોવાનો આરોપ મૂકવામાં આવ્યો જેના કારણે તેની આખી જિંદગી જ બદલાઈ ગઈ.

તેણે બે વર્ષ જેલમાં પણ કાઢવા પડ્યા હતા. તે સમયે માયાવતી યુપીના મુખ્યમંત્રી હતા અને તેમણે પોલીસકર્મીઓની હત્યાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. અમીત ચૌધરી હત્યાના સમયે મેરઠમાં હતો જ નહીં, છતાં તેની સામે અને બીજા ૧૭ લોકો સામે IPCની કલમો હેઠળ આરોપો મૂકવામાં આવ્યા હતા.

પોલીસની હત્યાનું કાવતરું કાઈલ ગેંગે ઘડ્યું હતું અને ચૌધરી પર તે ગેંગનો સભ્ય હોવાનો આરોપ હતો. એક ખેડૂતના પુત્ર ચૌધરીએ જેલમાં જ નક્કી કરી લીધું કે તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે મહેનત કરશે.

તે કહે છે કે મુઝફ્ફરનગરની જેલમાં અનિલ દુજાના અને વિકી ત્યાગી જેવા કુખ્યાત ગેંગસ્ટર હતા. તેમણે મને પોતાની ગેંગમાં સામેલ કરવા પ્રયાસ કર્યો પરંતુ હું તેમની વાતમાં ન આવ્યો. બંને ગેંગસ્ટરપછી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

અમારી જેલનો જેલર બહુ સારો માણસ હતા. તેણે મને એવી કોટડીમાં રાખ્યો જ્યાં ગેંગસ્ટર ન હતા. ૨૦૧૩માં જેલમાંથી નીકળ્યા પછી અમિત ચૌધરીએ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તે સૌથી પહેલાં બીએ થયો ત્યાર પછી એલએલબી અને એલએલએમની ડિગ્રી મેળવી અને અંતે બાર કાઉન્સિલની પરીક્ષા પણ પાસ કરી હતી.

તે કહે છે કે મારી સામેનો કેસ ગોકળગાયની ગતિએ ચાલતો હતો. મારું કોઈ સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવ્યું ન હતું. ત્યાં સુધીમાં મેં વકીલાત શરૂ કરવાની બધી લાયકાત મેળવી લીધી હતી તેથી હું મારો કેસ જાતે લડ્યો.

વકીલ તરીકે હું મારો કેસ લડતો ત્યારે સાક્ષીના બોક્સમાં ઉભેલા અધિકારી પણ મને ઓળખી ન શક્યા. તેના કારણે જજને ખાતરી થઈ ગઈ કે મને ખોટી રીતે ફીટ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ કોર્ટનો ચુકાદો આવ્યો જેમાં અમિત સહિત ૧૩ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.