Western Times News

Gujarati News

ખેલમહાકુંભ-૨૦૧૯માં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ૩૦૪૯ ખેલાડીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા

રાજ્યકક્ષાએ વિજેતા થનાર ચાર ટીમના ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
પાટણ,  પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૯ના જીલ્લા કક્ષાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિના હસ્તે વિવિધ રમતોમાં વિજેતા બનેલા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રાજ્યકક્ષાએ વિજેતા થનાર ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યભરમાં ખેલકૂદને પ્રોત્સાહન મળે તે હેતુથી ખેલમહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે યુવાનોની રૂચી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ફેર પ્લે એવોર્ડ, શક્તિદૂત યોજના, જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના જેવી અનેક યોજનાઓના પરિણામે રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધીઓ મેળવી રહ્યા છે.

ખેલમહાકુંભ-૨૦૧૯માં રાજ્યભરમાંથી ૪૬.૯૦ લાખ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યભરમાં યોજાયેલા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતીમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે ખેલમહાકુંભમાં વિજેતા થયેલા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત તથા યુવા, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટણ ફૂટબૉલ એકેડેમીની અંડર ૧૭ ફૂટબૉલ ગર્લ્સ ટીમ, મહાદેવપુરા પ્રાથમિક શાળાની અંડર ૧૪ ફૂટબૉલ ગર્લ્સ ટીમ, ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામની અબોવ-૬૦ ભાઈઓની રસ્સા ખેંચ ટીમ તથા દાણોદરડા ગામની જ અબોવ-૬૦ બહેનોની રસ્સા ખેંચ ટીમ રાજ્યકક્ષાએ વિજેતા થનાર ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે સાથે ૨૨ જેટલી રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરતાં ૩૦૪૯ જેટલા ખેલાડીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ખેલાડીઓએ મેળવેલ ઈનામની રકમ સરકારશ્રીની યોજના અંતર્ગત ખેલાડીઓના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચશ્રી આનંદ નહેરા, વિવિધ રમતના કોચશ્રીઓ, ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ, સ્પોર્ટ્સ ટીચર્સ, વિજેતા ખેલાડીઓ તથા તેમના પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.